હાઇકોર્ટની 424 VVIPની સુરક્ષા મુદ્દે પંજાબ સરકારને ફટકાર  

ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે સિદ્ધુ મૂસેવાલની હત્યાના મામલે પંજાબ સરકારને ફટકાર લગાવી છે. સિદ્ધુ મુસેવાલની હત્યા પંજાબ સરકારે સુરક્ષા પરત ખેંચ્યા પછીના બીજા દિવસે થઈ હતી.  હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે સરકારે 424 લોકોથી વધુ લોકોને આપેલી સુરક્ષા કયા આધારે પરત લીધી?  આ સાથે કોર્ટે સરકારને VVIP અને અન્ય લોકોને આપેલી સુરક્ષાના દસ્તાવેજ લીક કેમ કર્યા? કોર્ટે સરકારને આ મામલે સીલબંધ કવરમાં બીજી જૂન સુધી જવાબ આપવા આદેશ આપ્યો છે.

કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય ઓપી સોનીએ હાઇકોર્ટમાં ગઈ કાલે અરજી દાખલ કરીને તેમની સુરક્ષા પરત લેવાના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે આતંકવાદના દોરમાં તેમને ભારત-પાક સરહદે કાંટાળા તાર લગાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે પછી તેમને સુરક્ષા આપવામાં આવી હતી.

ઓપી સોની સિવાય અન્ય 423થી વધુ લોકોની સુરક્ષામાં કાપ મૂકવામાં આવ્યો હતો. આ લોકોએ પણ હાઇર્કોર્ટમાં સરકારના આદેશને પડકારનો પ્રારંભ કર્યો છે. અકાલી દળના નેતા વીર સિંહ લોપોકે પણ હાઇકોર્ટમાં તેમની સુરક્ષા પરત ખેંચવાને મુદ્દે પિટિશન કરી છે. હાઇકોર્ટે સરકારને નોટિસ જારી કરીને લોપોકેની સુરક્ષામાં બે સુરક્ષા કર્મચારીઓ તત્કાળ તહેનાત કરવા આદેશ જારી કર્યો હતો.