સચીનની મહાનતાઃ રેલવે પ્રવાસીઓને ખાતર બે કરોડ રૂપિયા આપ્યા

મુંબઈ – દંતકથાસમા ક્રિકેટર અને રાજ્યસભાના સદસ્ય સચીન તેંડુલકરે શહેરના એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનના બ્રિજ પર નાસભાગની બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં શહેરમાં ફૂટઓવર બ્રિજીસની સુધારણા કરવા માટે પોતાના સંસદસભ્ય તરીકેના ફંડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટડ સ્કીમ -MPLADS)માંથી રૂ. બે કરોડની રકમ મંજૂર કરી છે.

ઉલ્લેખનીય છે કે એલફિન્સ્ટન રોડ અને પરેલ રેલવે સ્ટેશનોને જોડતા એક સાંકડા ફૂટઓવર બ્રિજ પર ગઈ ૨૯ સપ્ટેંબરે ભારે વરસાદ વખતે નાસભાગ થતાં ૨૩ જણ કરૂણ રીતે માર્યા ગયા હતા.

તેંડુલકરે રેલવે પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને જણાવ્યું છે કે, મુંબઈ સબર્બન ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને હું વિનંતી કરું છું કે પૂલનાં બાંધકામ માટે રૂ. બે કરોડની રકમનો ઉપયોગ કરવાની સંબંધિત સત્તાવાળાઓને સત્તા આપે.

તેંડુલકરે જણાવ્યું છે કે, પોતે એમના MPLADS ફંડમાંથી પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેને એક-એક કરોડ રૂપિયાની ફાળવણી કરે છે જેનો ઉપયોગ તાત્કાલિક રીતે પશ્ચિમ, મધ્ય (મેઈન) અને મધ્ય (હાર્બર) લાઈનો પર ખૂબ ગીરદીવાળા અને સિંગલ બ્રિજ ધરાવતા સ્ટેશનો પર ફૂટઓવર બ્રિજીસની સુધારણા કરવા તથા બાંધકામ માટે કરવામાં આવે.

તેંડુલકરે ૧૬ ઓક્ટોબરની તારીખવાળા પત્રમાં વધુમાં લખ્યું છે કે એ દુર્ઘટનાથી અસર પામેલા લોકો માટે આ વખતની દિવાળી જરાય આનંદદાયક રહી નહોતી. ભારતમાં કોઈ પણ નેટવર્ક પર આવી દુર્ઘટના ફરી ન બને એ માટે આપણે જવાબદાર નાગરિકો તરીકે કામ કરવું જ જોઈએ.

તેંડુલકરે પત્ર મુંબઈ સબર્બન ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને પણ મોકલ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તમામ સંદસભ્યોને MPLAD યોજના અંતર્ગત પોતપોતાના મતવિસ્તારોમાં વિકાસ યોજનાઓ હાથ ધરવા માટે રૂ. પાંચ-પાંચ કરોડની ફાળવણી કરવામાં આવે છે. આ ભંડોળની રકમ 1993-94માં રૂ. પાંચ લાખ હતી, પણ સતત વધારીને હાલ પાંચ કરોડ કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]