દેશપ્રેમ બતાવવા માટે થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવાની જરૂર નથીઃ SC

નવી દિલ્હી – દેશભરમાં થિયેટરોમાં દરેક શો શરૂ થતા પૂર્વે રાષ્ટ્રગીત વગાડવાનું અને એ વખતે તમામ લોકોને ફરજિયાત ઊભા થવાનું ફરમાન કરતા ૨૦૧૬ની ૩૦ નવેંબરના આદેશ પાછળના તર્કની સુપ્રીમ કોર્ટના જજ ડી.વાય. ચંદ્રચુડે આજે ઝાટકણી કાઢી છે અને કેન્દ્ર સરકારને ટકોર કરતા કહ્યું કે કોઈ પણ ભારતીય નાગરિકે એનો દેશપ્રેમ એની બાંય પર પહેરવાની જરૂર નથી.

ગયા નવેંબરવાળો આદેશ રદ કરવાની દાદ ચાહતી કેરળની કોન્ડૂનગાલુર ફિલ્મ સોસાયટીએ નોંધાવેલી એક પીટિશન પરની સુનાવણી કરનાર ત્રણ-જજની બેન્ચના એક સભ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડ છે. આ બેન્ચની આગેવાની દેશના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ લીધી છે.

ન્યાયમૂર્તિ ચંદ્રચુડે વધુમાં એવી ટકોર કરી હતી કે, ‘હવે પછી તો તમે એમ કહેશો કે લોકોએ ટી-શર્ટ્સ અને શોર્ટ્સ પહેરીને ફિલ્મ જોવા જવું નહીં, કારણ કે એનાથી રાષ્ટ્રગીતનું અપમાન થાય છે… નૈતિકતાની આવી બધી વાતો કરવાનું આપણે ક્યારે બંધ કરીશું?’

વાસ્તવમાં, ૨૦૧૬માં, ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે જ થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવાનું અને એને માન આપવા સૌએ ઊભા રહેવાનું ફરજિયાત બનાવતો આદેશ આપ્યો હતો. એ વખતે ન્યાયમૂર્તિ મિશ્રાએ એવું કારણ આપ્યું હતું કે આ પ્રથાથી લોકોમાં દેશભાવના અને રાષ્ટ્રીયતા જાગૃતિ આવશે.

હવે, એ જ દિપક મિશ્રા આજે દેશના ચીફ જસ્ટિસ છે અને હાલની સુનાવણી વખતે એમની ડાબી બાજુએ બેસનાર ન્યાયમૂર્તિ ચંદ્રચુડે ફ્લેગ કોડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે એવો કોઈ નિયમ નથી કે કોઈ થિયેટરમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે લોકોએ ફરજિયાત ઊભા થવું જોઈએ. એ તો સ્વીકારવા જેવી વાત છે કે થિયેટર એ મનોરંજનનું સ્થળ છે. લોકો માત્ર મનોરંજન મેળવવા માટે જ થિયેટરમાં જાય છે. સમાજમાં લોકોને મનોરંજનની પણ જરૂર હોય છે. લોકોએ પોતાની દેશભક્તિ બતાવવા માટે થિયેટરમાં ઊભા થવાની જરૂર નથી.

એક તબક્કે બેન્ચ પરના ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકરે વકીલોની રજૂઆતના પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે તો એ સારું કહેવાય. અન્ય રાજ્યોએ પણ એમ કરવું જોઈએ.

ત્યારે ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે, ‘મેં જાતે જોયું છે કે થિયેટરમાં શો પૂરો થયા બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે લોકો બહાર જતા રહે છે.’

કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે ૨૦૧૬ના કોર્ટના આદેશના ટેકામાં દલીલો રજૂ કરી હતી. એમણે કહ્યું કે થિયેટરમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે તો લોકોમાં એકતાની લાગણી પેદા થાય.

પરંતુ ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે, ‘બંધારણની કલમ ૫૧-Aમાં નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. દાખલા તરીકે, નાગરિકોએ માનવતા બતાવવી જોઈએ. શું અમારે (સુપ્રીમ કોર્ટે) આ બધું લાગુ કરાવવાનું? સરકાર તરીકે તમારી પાસે સત્તા છે. તમે પગલાં લો. તમારો બોજો અમારે શા માટે માથે લેવાનો? ધારો કે નાગરિકો પર રાષ્ટ્રગીતનો આદર અમારે લાગુ કરવાનો હોય તો કલમ ૫૧-Aમાં દર્શાવેલી અન્ય મૂળભૂત ફરજો પણ અમારે લાગુ કરાવવી પડે.’

એક કલાક સુધી ચાલેલી સુનાવણીના અંતભાગમાં, ચીફ જસ્ટિસ મિશ્રાએ એવું સૂચન કર્યું હતું કે ૨૦૧૬ના આદેશની ભાષામાં ફેરફાર કરી શકાય, જેમાં રાષ્ટ્રગીત વગાડવાનું વૈકલ્પિક બનાવવામાં આવે.

કોર્ટે આ વિશેનો નિર્ણય લેવાનું સરકાર પર છોડ્યું છે અને કહ્યું છે કે સરકારે કોર્ટના આદેશના દબાણમાં આવ્યા વગર આ બાબતમાં ફેરવિચારણા કરી શકે છે. કેસમાં હવે પછીની સુનાવણી ૨૦૧૮ની ૯ જાન્યુઆરીએ કરવાનું નક્કી થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]