મુંબઈઃ વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેનાના કેટલાક અસંતુષ્ટ વિધાનસભ્યોએ પક્ષપ્રમુખ અને રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની નેતાગીરી સામે બળવો પોકારીને છેલ્લા લગભગ બે અઠવાડિયાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. શિંદે એમના સાથીઓને લઈને મુંબઈથી પહેલા સુરત અને પછી ગુવાહાટી જતા રહ્યા છે. ત્યાંથી એમણે કથિતપણે એવી માગણી કરી છે કે શિવસેનાએ હાલ સરકારના અન્ય બે ભાગીદાર પક્ષ – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસને પડતી મૂકીને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવવી જોઈએ. આ અસંતુષ્ટ વિધાનસભ્યો વિરુદ્ધ મુંબઈ-મહારાષ્ટ્રમાં શિવસૈનિકોમાં રોષ ફેલાયો છે ત્યારે પક્ષને આ સંકટમાંથી ઉગારવામાં પતિ ઉદ્ધવને મદદરૂપ થવા માટે પત્ની રશ્મી ઠાકરે આગળ આવ્યાં છે. એમણે અસંતુષ્ટ વિધાનસભ્યોની પત્નીઓનો સંપર્ક કરી એમની સાથે વાતચીત શરૂ કરી છે અને એમને લાગણીભરી અપીલ કરી છે કે તેઓ એમનાં પતિઓને સમજાવે કે તેઓ પક્ષમાં પાછા ફરે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાનાં 55 વિધાનસભ્યો છે અને એકનાથ શિંદેનો દાવો છે કે એમને 40 વિધાનસભ્યોનો ટેકો છે. બળવાખોર વિધાનસભ્ય દીપક કેસરકરે એમ જણાવ્યું છે કે શિંદેની ટીમ મહારાષ્ટ્ર વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવા તૈયાર છે, પરંતુ એમના જૂથને અલગ માન્યતા આપવામાં તે પછી. એક વાર આ જૂથમાં સભ્યોની સંખ્યા 51 પર પહોંચી જશે એ પછી જ તેઓ મુંબઈ પાછા ફરવાનું નક્કી કરશે.