શિવસેનાના બળવાખોરોને કેન્દ્ર સરકારે આપી Y+ સુરક્ષા

મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના પ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વરિષ્ઠ નેતા અને શહેરીવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ કરેલા બળવાના સંદર્ભમાં નવા સમાચાર એ છે કે કેન્દ્ર સરકારે બળવાખોર નેતાઓને Y+ સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. શિંદેએ જ મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીને લેખિતમાં વિનંતી કરી હતી કે એમના સાથી વિધાનસભ્યો તથા એમનાં પરિવારજનોનાં જાન પર જોખમ હોવાથી એમને સુરક્ષા મળવી જોઈએ.

દરમિયાન કેન્દ્ર સરકારે શિવસેનાના 15 વિધાનસભ્યોને Y+ સુરક્ષા પૂરી પાડી છે, પરંતુ આ યાદીમાં ખુદ શિંદેનું જ નામ ગાયબ છે. શિવસેનાના અસંતુષ્ટ વિધાનસભ્યોને સુરક્ષા પૂરી પાડવાનું રાજ્યપાલે મુંબઈના પોલીસ કમિશનર અને રાજ્યના પોલીસ વડાને જણાવ્યા બાદ અને અસંતુષ્ટોની ઓફિસો તથા પ્રોપર્ટીઓ પર શિવસેના કાર્યકર્તાઓ દ્વારા હુમલા થયાના અહેવાલોને પગલે કેન્દ્ર સરકારે 15 અસંતુષ્ટોને સુરક્ષા પાડવાનો નિર્ણય લીધો છે. Y-કેટેગરીમાં આઠ સુરક્ષા જવાનનો સમાવેશ હોય છે, જેમાં એક અથવા બે કમાન્ડો અને બાકીના પોલીસ જવાન હોય છે. શિંદેની આગેવાની હેઠળ શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો પહેલા ગુજરાતના સુરતમાં ભેગા થયા બાદ આસામના ગુવાહાટી ગયા છે અને ત્યાંની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રહે છે. ઉદ્ધવ ઠાકરેના સમર્થકોએ અસંતુષ વિધાનસભ્યોને ગદ્દાર ગણાવ્યા છે અને કહ્યું છે કે આ લોકો શિવસૈનિક નથી. અમે એમને ‘શિવ પ્રસાદ’ આપીશું.