ઈમર્જન્સીમાં લોકશાહીને કચડવાના પ્રયાસો થયા હતાઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો બ્રોડકાસ્ટ મન કી બાતમાં ઈમર્જન્સી (કટોકટી)નો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1975માં તે વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ 25મી જૂને દેશભરમાં ઈમર્જન્સી લાગુ કરી હતી. આજના કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે ઈમર્જન્સી દરમિયાન દેશમાં લોકશાહીને કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. દુનિયામાં આવું બીજું કોઈ ઉદાહરણ શોધવું મુશ્કેલ છે, જ્યાં જનતાએ લોકતાંત્રિક માધ્યમો મારફત સરમુખત્યારશાહી વિચારધારાને પરાસ્ત કરી હતી. ઈમર્જન્સી દરમિયાન એ વખતની સરકારે તમામ અધિકારોને છીનવી લીધાં હતાં. આમાં જીવવાનો તથા અંગત આઝાદીના અધિકારોનો પણ સમાવેશ થાય છે, જે દેશના બંધારણની 21મી કલમ હેઠળ જનતાને આપવામાં આવ્યો છે.

ઈન્દિરા ગાંધીએ ઈમર્જન્સી 1975ની 25 જૂને લાગુ કર્યાં બાદ 1977ની 21 માર્ચે તે ઉઠાવી હતી.