શિંદે સેના વિ ઉદ્ધવ સેનાઃ સુપ્રીમ, હાઇકોર્ટ તેમજ EDની આંટીઘૂંટી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઘેરું બનતું જાય છે. 16 બળવાખોરો વિધાનસભ્યોને નોટિસ પાઠવવામાં આવતાં શિંદે સેના સુપ્રીમ કોર્ટ પહોંચી છે. તેમણે બીજી એક અરજી દાખલ કરીને શિવસેનાના વિધાનસભાના દળના નેતા અને ચીફ વ્હિપની નિમણૂકોમાં ફેરફારને પડકારવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ બોમ્બે હાઇકોર્ટમાં ઉદ્ધવ સેનાતરફી વ્યક્તિ દ્વારા એક જનહિત અરજી કરવામાં આવી છે. આ અરજીમાં શિંદે અને સેનાના બળવાખોર વિધાનસભ્યો અને પ્રધાનોને તત્કાળ ગુવાહાટીથી રાજ્યમાં પરત ફરવા અને પોતાની ફરજો અદા કરવાના નિર્દેશ આપવા માગ કરવામાં આવી છે. આ અરજીમાં ફરજ પાલનમાં ચૂક માટે બળવાખોર વિધાનસભ્યોની સામે કાર્યવાહીની પણ માગ કરવામાં આવી છે. CJ દીપાંકર દત્તાની અધ્યક્ષતાવાળી ખંડપીઠની સમક્ષ અરજીમાં અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટ આ અરજીનો યોગ્ય રીતે અભ્યાસ કર્યા પછી સુનાવણીની તારીખ જાહેર કરશે.

આ જનહિત અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પ્રધાનો પોતાની ફરજોની ઉપેક્ષા કરી રહ્યા છે, જેનાથી નાગરિકોના અધિકારો સામે આંખ આડા કાન થઈ રહ્યા છે. એમાં કહેવામાં આવી આવી રહ્યું છે કે પ્રધાનો દ્વારા જાણીબૂજીને એવું આચરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં નાગરિકોના અધિકારોને અસર કરી શકે છે. ખાસ કરીને વરસાદની સીઝનમાં ખેડૂતો અને શહેરી મુદ્દાઓ સંબંધિત મામલાઓને નજરઅંદાજ કરવામાં આવ્યા છે.  

મહારાષ્ટ્રમાં જારી રાજકીય સંકટની વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતને મોટો આંચકો લાગ્યો છે. શિંદે જૂથ પર સતત નિશાન સાધી રહેલા રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સમન્સ મોકલ્યા છે અને આવતી કાલે એની સામે રજૂ થવા કહેવામાં આવ્યું છે. EDએ તેમને મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમને આ સમન્સ પાત્રા ચાલ ભૂમિ કૌભાંડ મામલે મોકલવામાં આવ્યા છે.