મુંબઈઃ આમ તો ભક્તોને તો ખબર હશે જ કે અધિક માસમાં નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન માટે લાખો લોકોની ભીડ થતી હોય છે, પરંતુ હાલ કોરોના વાઈરસ લોકડાઉનને કારણે ભક્તો ઇચ્છે તો પણ દર્શન કરવા જઇ શકે એમ નથી. આ સંજોગોમાં ભાવિક ભક્તો શ્રીજીબાવાના દર્શનથી વંચિત રહી ન જાય એ માટે મુંબઈસ્થિત જાણીતા વેપારી લાલુભાઈએ મંગળાથી લઈને શયન સુધીના શ્રીજીના દર્શનનો એક કાર્યક્રમ યોજ્યો છે. ‘પંચામૃત’ નામના આ કાર્યક્રમ થકી એમણે લાખો લોકોને શ્રીજીના ઓનલાઇન દર્શન કરાવવાનો મનોરથ કર્યો છે.
લાલુભાઈની આ ભાવના ખરેખર દાદને પાત્ર છે. આવા કપરા કાળમાં નોખા નોખા કાર્યક્રમો દ્વારા લોકોનો અજંપો ઓછો કરતી તેમની સેવા ખરેખર અનોખી છે.
હકીકતમાં વર્ષ 2018 માં એમણે શ્રીજીના મંગળાથી શયન સુધીના દર્શન અને સાથે જાણીતા કૃષ્ણગીતોનો આ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં જાહ્ન્વી શ્રીમાંકર અને પ્રહર વોરાએ કૃષ્ણગીતો પ્રસ્તુત કર્યા હતા અને મંગળાથી શયન સુધીના પદો તથા ચિત્રજીનાં રચયિતા હતા રૂપા બાવરી. રસાસ્વાદ અંકિત ત્રિવેદીએ કરાવ્યો હતો અને મંચસજ્જાથી દર્શનસેવાની કામગીરી હતી લાલુભાઇની.
‘ચિત્રલેખા’ના સથવારે યોજાએલા આ કાર્યક્રમમાં ટીવી અભિનેતા દિલીપ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. ‘ચિત્રલેખા’ પરિવારની ચાર પેઢીનાં સભ્યો – મધુરીબહેન કોટક, મૌલિક કોટક, મનન કોટક અને તનાયા કોટક પણ એમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
હવે આ વર્ષે કોરોનાને લઇને મોટાભાગના મંદિરો બંધ છે અને તહેવારોની આ રીતે ઉજવણી કરવી શક્ય નથી એટલે લાલુભાઇએ આ કાર્યક્રમને નવા રંગરૂપમાં ઓનલાઇન પ્રસ્તુત કરવાનું નક્કી કર્યું છે. ‘પંચામૃત’ નામનો આ સુંદર ભક્તિમય કાર્યક્રમ રસ ધરાવતા ભક્તો અધિક માસના પહેલા દિવસે શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2020ના રોજ રાત્રે 9.00 વાગ્યે YouTube પર Creative Vision ચેનલ પર જોઇ શકશે. લાલુભાઇ કહે છે, કાર્યક્રમ એ જ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જોનાર ભક્તોને જાણે એ પોતે નાથદ્વારામાં જ છે એવી પ્રતીતિ થશે.
કાર્યક્રમની એક ઝલકઃ