મુંબઈઃ ભૂતપૂર્વ નેવી અધિકારી મદન શર્મા ભાજપમાં જોડાયા

મુંબઈઃ ગયા અઠવાડિયે મુંબઈમાં કથિતપણે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા મારપીટનો ભોગ બનેલા ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી મદન શર્મા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આજે તેઓ રાજભવન ખાતે જઈને મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંગ કોશ્યારીને મળ્યા હતા.

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં શર્માએ કહ્યું કે ગૂંડાગીરી અટકાવવા માટે હું ભાજપ-આરએસએસમાં જોડાઈ ગયો છું. મને મારતી વખતે એ લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે હું ભાજપ-આરએસએસ સાથે સંકળાયેલો છું. એટલે હવે હું જાહેરાત કરું છું કે હું આજથી ભાજપ-આરએસએસ સાથે છું.

62 વર્ષીય શર્મા ઉપર ગયા શુક્રવારે કાંદિવલી (ઈસ્ટ) ઉપનગરમાં હુમલો કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધનું એક કાર્ટૂન શર્માએ સોશિયલ મિડિયા પર ફોરવર્ડ કર્યા બાદ કથિતપણે શિવસૈનિકોના એક જૂથે એમની મારપીટ કરી હતી.

તે હુમલા બાદ શર્માએ માગણી કરી હતી કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એમની તથા દેશની માફી માગે. શર્માએ એમ પણ કહ્યું હતું કે સરકાર જો કાયદો અને વ્યવસ્થાની સંભાળ લઈ શકતી ન હોય તો ઠાકરેએ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.

દરમિયાન, શર્મા પર હુમલો કરનાર તમામ 6 આરોપીઓને બોરીવલી ઉપનગરની એક કોર્ટે અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો હુકમ કર્યો છે. કાંદિવલી (પૂર્વ)ના સમતા નગર પોલીસ સ્ટેશને મદન શર્માની ફરિયાદને આધારે એફઆઈઆર નોંધી છે. એમની પર ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની કલમ 452 લાગુ કરી છે – (ઘૂસણખોરી કરવી, હુમલો કરવો). તમામ છ આરોપીઓને ગઈ કાલે રાતે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને આજે સવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.