રાજ્યસભા ચૂંટણીમાં ભારે હાર પછી બિહારના મહાગઠબંધનમાં તિરાડ

પટનાઃ બિહારમાં રાજ્યસભા ચૂંટણીમાં તમામ પાંચ બેઠકો પર NDAએ જીત મેળવી. મતદાન દરમિયાન વિરોધી ‘મહાગઠબંધન’ના ચાર ધારાસભ્યોની ગેરહાજરીથી રાજકીય સમીકરણ બદલાઈ ગયું, જેને કારણે NDAને નિર્ણાયક લીડ મળી ગઈ. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અને ફૈઝલ રહમાન સહિત RJDના એક ધારાસભ્યએ મતદાનમાં ભાગ લીધો નહોતો. આ ભારે હાર બાદ હવે RJDના કાર્યકરો કોંગ્રેસ પર આક્રમક બન્યા છે અને તેઓ આ હાર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી રહ્યા છે.

 બિહારના રાજકારણમાં મોટો ફેરફાર

રાજ્યસભા ચૂંટણીને બહાને બિહારના રાજકારણમાં મોટો રાજકીય પલટો જોવા મળ્યો. ચૂંટણીનું ગણિત મહાગઠબંધનના પક્ષમાં દેખાતું હતું, પરંતુ મતદાનના દિવસે ચાર ધારાસભ્યોની ગેરહાજરીએ આખું સમીકરણ બદલી નાખ્યું. પરિણામે NDAએ પાંચેય બેઠકો જીતી અને મહાગઠબંધનની વ્યૂહરચના નિષ્ફળ ગઈ.

તેજસ્વી યાદવની કોશિશ નિષ્ફળ

મહાગઠબંધનની તરફથી નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે સંખ્યા એકઠી કરવા માટે વ્યૂહરચના બનાવી હતી. તેમણે AIMIMના પાંચ ધારાસભ્યો અને BSPના એક ધારાસભ્યનું સમર્થન પણ મેળવી લીધું હતું.

આ સમીકરણ પછી મહાગઠબંધનને વિશ્વાસ હતો કે પાંચમી બેઠક તેઓ જીતશે, પરંતુ મતદાન સમયે તેમના ચાર ધારાસભ્યો હાજર રહ્યા નહોતા, જેને કારણે આખું ગણિત બદલાઈ ગયું.

ગેરહાજર રહેલા ધારાસભ્યોમાં કોંગ્રેસના ત્રણ સભ્યો—સુરેન્દ્ર કુશવાહા, મનોજ વિશ્વાસ અને મનોહર સિંહ—સામેલ હતા. જ્યારે RJD તરફથી ફૈઝલ રહમાન હાજર રહ્યા નહોતા. આ ચાર મતની ખોટ મહાગઠબંધન માટે ભારે પડી.

 NDAનો ક્લીન સ્વિપ

આ પરિસ્થિતિમાં નીતીશકુમારના નેતૃત્વમાં NDAએ પાંચેય બેઠકો જીતતાં ક્લીન સ્વિપ કર્યો.

 કોંગ્રેસ પર નિશાન

બિહારમાં ચર્ચા છે કે ફરી એક વખત તેજસ્વી યાદવને કોંગ્રેસને કારણે હારનો સામનો કરવો પડ્યો. તેજસ્વીએ AIMIMનું સમર્થન મેળવવા માટે ભારે મહેનત કરી હતી અને વિવિધ રાજકીય પ્રયત્નો કર્યા હતા,

પરંતુ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સંભાળી શકી નહીં. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યો પાર્ટીથી નારાજ હતા, છતાં પાર્ટીએ તેમની સાથે યોગ્ય સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નહોતો. તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે ભાજપે રાજ્યસભા ચૂંટણી દરમિયાન ‘હોર્સ-ટ્રેડિંગ’ (ખરીદી-વેચાણ) કરી છે.