મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે કોરોના વાઈરસથી બચવા માટેની કોવિશીલ્ડ રસી 18-વર્ષથી નીચેની વયનાં લોકોને, ગર્ભવતી સ્ત્રીઓ તેમજ જે લોકોને એલર્જીની તકલીફો હોય એમને આપવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે બહાર પાડેલા નિયમો અનુસાર આ નક્કી કરવામાં આવ્યું છે.
ટોપેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અમે પસંદગીકૃત વ્યક્તિઓને કોરોના રસીના પૂરા બે ડોઝ આપીશું. પહેલો ડોઝ હમણાં અપાયો હશે તો બીજો ડોઝ 4-6 અઠવાડિયા બાદ આપવાનો રહેશે. તે છતાં સગીર વયનાં લોકો, ગર્ભવતી સ્ત્રીઓ અને એલર્જીથી પીડિત લોકોને આ રસી આપવામાં નહીં આવે. મહારાષ્ટ્રમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી અત્યાર સુધીમાં 9,63,000 ડોઝ રસી મળી છે. અપેક્ષા 17,50,000 ડોઝની છે, જે આંકડો રાજ્યની કુલ વસ્તીના 55 ટકા જેટલો થાય છે. મુંબઈ શહેરમાં રસીકરણ માટે 72 કેન્દ્રો શરૂ કરાશે. મહારાષ્ટ્રમાં કોરોના રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 11,200 જણના મરણ થઈ ચૂક્યા છે. દેશમાં આ રોગથી સૌથી વધુ મરણાંક ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે.
