પવાર કદાચ અનિલ દેશમુખને રાજીનામું આપવા કહેશે

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર લખીને રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગેરપ્રવૃત્તિઓ આચરી હોવાની લેખિતમાં – પત્રના માધ્યમથી અને જાહેરમાં ફરિયાદ કર્યા બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પરમબીરસિંહ, જેમને હોમગાર્ડ્સ વિભાગના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એમણે પત્રમાં ઘટસ્ફોટ કર્યો છે કે દેશમુખે પોલીસ અધિકારી સચીન વાઝે (જે હાલ સસ્પેન્ડ કરાયા છે) એમને દર મહિને મુંબઈના બીયર બાર, રેસ્ટોરન્ટ માલિકો પાસેથી રૂ. 100 કરોડ ઉઘરાવવાનો આદેશ આપ્યો હતો. ટૂંકમાં, ખંડણી એકઠી કરવા જેવું હલકું અને ગેરકાયદેસર કામ સોંપ્યું હતું. દેશમુખે પરમબીરસિંહના આરોપને નકારી કાઢ્યો છે અને પરમબીરસિંહ સામે કોર્ટમાં માનહાનિનો કેસ કરવાની ધમકી પણ ઉચ્ચારી છે. પરંતુ વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓ આક્રમક મૂડમાં આવી ગયા છે અને દેશમુખને તત્કાળ પદ પરથી બરતરફ કરાય એવી માગણી કરી છે. ભાજપ આ મુદ્દે સમગ્ર મહારાષ્ટ્રમાં આંદોલન પણ કરનાર છે.

દેશમુખ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે – મહાવિકાસ આઘાડી સરકાર. પરમબીરસિંહના આરોપને પગલે એનસીપીની હાલત કફોડી થઈ ગઈ છે. એનસીપીના પ્રમુખ શરદ પવારે જ અજિત પવાર, જયંત પાટીલ, દિલીપ વળસે-પાટીલ જેવા પાર્ટીના ધરખમ નેતાઓને બદલે અનિલ દેશમુખને ગૃહ પ્રધાન પદે બેસાડ્યા હતા. હવે એનસીપી પાર્ટી જ દેશમુખને રાજીનામું આપી દેવા કહેશે એવી ધારણા રખાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]