21 એપ્રિલથી ટર્મિનલ-2 પરથી બધી ફ્લાઈટ્સ ઓપરેટ કરાશે

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ટર્મિનલ-1 મારફત હાલ ઓપરેટ કરાતી તમામ ડોમેસ્ટિક પેસેન્જર ફ્લાઈટ્સનું ફરીથી એકત્રીકરણ કરવામાં આવશે. કોરોનાવાઈરસ રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવતી 21 એપ્રિલથી એરપોર્ટ પરના અત્યાધુનિક ટર્મિનલ-2 દ્વારા તમામ ઈન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કામગીરીઓ હાથ ધરવામાં આવશે.

ગોએર, સ્ટાર એર, એર એશિયા, ટ્રુ-જેટ અને ઈન્ડીગો એરલાઈનોના તમામ પ્રવાસીઓને આ સાથે વિનંતી કરવામાં આવી છે કે તેમણે વધુ જાણકારી માટે સંબંધિત એરલાઈનના સંપર્કમાં રહેવું. કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલય તથા મહારાષ્ટ્ર સરકારે લાગુ કરેલી તમામ કોરોના-પ્રતિબંધાત્મક માર્ગદર્શિકાઓનું એરપોર્ટ ખાતે કડક પાલન કરવામાં આવી રહ્યું છે.