‘પિંક વોટ્સએપ’ ડાઉનલોડ કરશો નહીં’: મુંબઈ પોલીસની નાગરિકોને ચેતવણી

મુંબઈઃ આજકાલ સાઈબર બદમાશો વોટ્સએપનું બેકગ્રાઉન્ડ ગુલાબી રંગનું (પિન્ક) કરવાના નામે એક લિન્ક મોકલે છે. એની લાલચમાં આવીને નાગરિકોએ તે લિન્કને ક્લિક કરવી નહીં, કારણ કે તેની મારફત સાઈબર લૂંટારાઓ લોકોનાં મોબાઈલ ફોન હેક કરે છે. આ કૌભાંડમાં ડેટા લીક ઉપરાંત બેન્કિંગ છેતરપિંડી પણ કરવામાં આવે છે. સાઈબર અપરાધીઓ દ્વારા મોકલવામાં આવતી આ લિન્ક મેલવેર છે. તેને એપીકે ફાઈલ મારફત મોકલવામાં આવે છે. જે મોબાઈલ ફોનમાં ગુપ્ત રીતે ઈન્સ્ટોલ થઈ જાય છે અને તે પછી સાઈબર ચોરટા એમની મરજી મુજબ મોબાઈલ ફોન અને વોટ્સએપને રીમોટલી એક્સેસ કરે છે. આજકાલ સોશિયલ મિડિયા પર ‘વોટ્સએપ પિન્ક અપડેટ’ નામે એક લિન્ક ખૂબ શેર થઈ રહી છે.

મુંબઈ પોલીસે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ મારફત નાગરિકોને આ કૌભાંડ વિશે ચેતવ્યા છે અને કહ્યું છે કે, ‘કોઈએ આની લિન્ક પર ક્લિક કરવું નહીં. સાઈબર ફ્રોડ દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે પિન્ક વોટ્સએપ લિન્ક ઓફિશિયલ અપડેટ છે, પરંતુ વાસ્તવમાં, હેકર્સ દ્વારા મોકલવામાં આવેલો તે એક મેલવેર છે. આને આ રીતે મોકલવામાં આવે છેઃ Officially Whatsapp Launched Pink Whatsapp With Extra New Features Must Try this. http://pinkapp.xyz/?whatsapp  (નાગરિકોએ આની પર ક્લિક કરવું નહીં) કારણ કે તે પછી સાઈબર ચોરો મોબાઈલ ફોન ધારકના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેશે. આ મેલવેર જો એક વાર મોબાઈલ ફોનમાં આવી જશે તો એને દૂર કરવો મુશ્કેલ બની જાય છે. એને કોઈ જાણકાર જ હટાવી શકે છે.’