રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુંબઈ પ્રમુખ સચીન અહિર શિવસેનામાં જોડાયા, નવાબ મલિક બન્યા અનુગામી

મુંબઈ – મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને મોટો ફટકો પડ્યો છે. એમના મુંબઈ એકમના પ્રમુખ અને ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન સચીન અહિર આજે શિવસેના પાર્ટીમાં જોડાઈ ગયા છે.

અહિર અગાઉ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સંયુક્ત સરકારમાં પ્રધાન હતા. તેઓ આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ ગયા હતા.

અહિરને શિવસેનામાં સામેલ કરતાં ઉદ્ધવ ઠાકરેએ સિનિયર સહયોગી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ટોણો મારતા કહ્યું કે બીજા રાજકીય પક્ષોમાં ભંગાણ પડાવવું એ શિવસેનાની વૃત્તિ નથી.

હું ઈચ્છું છું કે શિવેસના વિકસે, પણ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોના ભોગે નહીં, એમ ઉદ્ધવ ઠાકરેએ કોઈ પણ પાર્ટીનું નામ લીધા વિના કહ્યું હતું.

એમણે એમ પણ કહ્યું કે શિવસેના લોકોનાં દિલ જીતીને રાજકારણ કરવા માગે છે. સચીન અહિર એમની ઈચ્છાથી અને રાજીખુશીથી અમારી સાથે જોડાયા છે. હું અહિરને ખાતરી આપું છું કે એમને તેમના આ નિર્ણય બદલ અફસોસ નહીં થાય.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની 1999માં સ્થાપના થઈ ત્યારથી અહિર એની સાથે સંકળાયેલા હતા. 1999થી 2009 સુધી તેઓ મુંબઈમાં શિવરી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં મતવિસ્તારોનું સીમાંકન કરાયા બાદ તેઓ વરલી વિસ્તારમાંથી ચૂંટાયા હતા.

2014ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ શિવસેના સુનિલ શિંદે સામે હારી ગયા હતા.

શિવસેનામાં એન્ટ્રી લીધા બાદ અહિરે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાને જ એની દુશ્મન સાબિત કરી છે. હું શિવસેનાનાં પાયાનો વિસ્તાર કરવા માટે કામ કરીશ, પણ એનસીપીનો તોડવાનું કમ નહીં કરું. શરદ પવાર મારાં દિલમાં જ રહેશે, પણ શિવસેના માટે સેવા બજાવવા માટે મારા શરીરમાં શક્તિ આદિત્ય અને ઉદ્ધવજીની રહેશે. મને એનસીપી પ્રતિ કોઈ પ્રકારનો દ્વેષ નથી.

પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમુક અનિવાર્ય રાજકીય નિર્ણયો લેવા પડતા હોય છે.

અહિરે કહ્યું કે હું બે દિવસ પહેલા આદિત્ય ઠાકરેને એક સામાજિક કાર્યક્રમમાં મળ્યો હતો જ્યાં એમણે મને કહ્યું હતું કે શિવસેનાને મારા જેવા નેતાઓની જરૂર છે, જેઓ શહેરી રાજકારણમાં પાવરધા હોય.

અહિરે કહ્યું કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી મારે લડવી કે નહીં એ નિર્ણય શિવસેના લેશે.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે હું અને અહિર એકબીજાને લાંબા સમયથી ઓળખીએ છીએ. જુદા જુદા પક્ષોમાં હોવા છતાં અમને જણાયું કે અમારો ધ્યેય એક જ છે – શહેરી વિસ્તારોનો વિકાસ.

નવાબ મલિક બન્યા એનસીપી મુંબઈ એકમના નવા પ્રમુખ

દરમિયાન, અહિર અચાનક પાર્ટી છોડી જતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ એમની જગ્યાએ મુંબઈ એકમના પ્રમુખ તરીકે પક્ષના વડા પ્રવક્તા નવાબ મલિકને નિયુક્ત કર્યા છે.

મલિકે પત્રકારોને કહ્યું કે જે લોકો એનસીપી છોડી ગયા છે એમનામાં વિધાનસભા ચૂંટણી એમના સ્વબળે લડવાની હિંમત અને તાકાતનો અભાવ છે.

અહિર શિવસેનામાં જોડાઈ ગયા એનાથી અમારી પાર્ટીના ચૂંટણી ભાવિ પર કોઈ અસર નહીં પડે, એમ પણ મલિકે કહ્યું છે.