મુંબઈઃ આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે તિરુમાલા વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. મુકેશ અંબાણીએ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે મંદિરના દર્શને પહોંચ્યા હતા. રાધિકા મર્ચન્ટ એ અંબાણીના પુત્ર અનંત અંબાણીની વાગદત્તા છે.
અંબાણીએ તેમના પરિવાર સાથે શુક્રવારે સવારે નિજાપાડા દર્શન સેવામાં ભાગ લીધો હતો. તેમણે દેવસ્થાનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધર્મા રેડ્ડીને રૂ. 1.50 કરોડનો એક ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો.
આ મંદિરમાં મુકેશ અંબાણીના નામની વિશેષ પૂજા કરવામાં આવી હતી. મંદિરની બહાર તેમણે કહ્યું હતું કે મંદિરમાં દિવસે ને દિવસે વધુ સારી સુવિધાઓ મળી રહી છે. તિરુપતિ મંદિર ભારતના લોકોનું ગૌરવનું પ્રતીક છે. તેમને ત્યાં બે હાથીઓ લક્ષ્મી અને પદ્માવતીએ આશીર્વાદ આપ્યા હતા.
આ મંદિરમાં વાર્ષિક શ્રીવરી બ્રહ્મોત્સવ 27 સપ્ટેમ્બરથી શરૂ થઈને પાંચમી ઓક્ટોબર સુધી ચાલશે. શ્રીવરી બ્રહ્મોત્સવ એ ભગવાન વિષ્ણુ ભગવાનનાં દર્શનની ઉજવણીને લગતો ઉત્સવ છે. દર વર્ષે લાખ્ખો ભક્તો અહીં ભગવાન વેંકટેશ્વરના દર્શનાર્થે આવે છે. આ ઉત્સવ કોરોના રોગચાળાના આશરે બે વર્ષ બાદ આ વર્ષે આયોજિત કરવામાં આવ્યો છે.