રણવીરસિંહ મુંબઈ-પોલીસનેઃ ‘એ ફોટો મોર્ફ કરવામાં આવ્યો હતો’

મુંબઈઃ નગ્ન ફોટોશૂટને કારણે પોલીસ વિવાદમાં સપડાયેલા બોલીવુડ અભિનેતા રણવીરસિંહે હવે એવો દાવો કર્યો છે કે ફોટોશૂટના ફોટાઓમાંનો એક ‘મોર્ફ’ કરવામાં આવ્યો હતો. (છેડછાડ કરીને એને બદલી નાખવામાં આવ્યો હતો). એક મીડિયા અહેવાલ અનુસાર, રણવીરે ચેંબૂર ઉપનગરના પોલીસ સ્ટેશનમાં જઈને નિવેદન નોંધાવ્યું છે કે કોઈકે તે ફોટોશૂટમાંના એક ફોટો સાથે એવી રીતે ચેડાં કર્યાં છે અને એને બદલી નાખ્યો છે.

રણવીરે એવો દાવો કર્યો હતો કે સોશ્યલ મીડિયા પર પોતે જે સાત તસવીરો અપલોડ કરી છે એમાં ચર્ચાસ્પદ તસવીર હિસ્સો નહોતી. પોલીસે કહ્યું છે કે રણવીરના નગ્ન ફોટા સાથે ખરેખર કોઈ ચેડાં કરવામાં આવ્યા છે કે નહીં એની ચકાસણી કરવા માટે તે ફોરેન્સિક વિભાગને મોકલી આપવામાં આવ્યો છે.

રણવીરની નગ્ન તસવીર જાહેર થયા બાદ એની સામે ગયા જુલાઈ મહિનામાં ચેંબૂર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને પોલીસે તેને નિવેદન માટે હાજર થવાનું સમન્સ મોકલ્યું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે રણવીરે એની તસવીરો દ્વારા સ્ત્રીજાતિની લાગણીને ઠેસ પહોંચાડી છે એમનાં સદાચરણનું અપમાન કર્યું છે.