મુંબઈઃ મહારાષ્ટ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એમણે પોતે જ આની જાણકારી સોશિયલ મિડિયા પર આપી છે.
શિંદેએ છેલ્લા કેટલાક દિવસોમાં એમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવી લેવાની વિનંતી પણ કરી છે.
શિંદેએ આ અઠવાડિયાના આરંભમાં રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં હાજરી આપી હતી.
કોરોનાના ચેપનો શિકાર બનેલા શિંદે મહારાષ્ટ્રના 13મા પ્રધાન છે.
આ પહેલાં જિતેન્દ્ર આવ્હાડ (હાઉસિંગ), અશોક ચવ્હાણ (જાહેર બાંધકામ), ધનંજય મુંડે (સામાજિક ન્યાય), સુનીલ કેદાર (પશુપાલન), બાળાસાહેબ પાટીલ (સહકાર), અસલમ શેખ (ટેક્સટાઈલ), નીતિન રાઉત (ઊર્જા), હસન મુશરીફ (ગ્રામીણ વિકાસ), વર્ષા ગાયકવાડ (શિક્ષણ), અબ્દુલ સત્તાર (ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન), સંજય બેનસોડે (પર્યાવરણના રાજ્યપ્રધાન), વિશ્વજીત કદમ (સહકારના રાજ્યપ્રધાન)ને પણ કોરોના થયો હતો.
એકનાથ શિંદેએ ટ્વીટમાં લખ્યું હતું કે, મેં ગઈ કાલે જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને એનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારું સ્વાસ્થ્ય આપ સૌનાં આશીર્વાદને કારણે સરસ છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મારા સંપર્કમાં આવેલી વ્યક્તિઓને હું યોગ્ય કાળજી લેવા અને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું.