મુંબઈમાં સપ્ટેમ્બરમાં અનરાધાર વરસાદઃ 24 કલાકમાં 286.4 મિ.મી. પાણી ખાબક્યું

મુંબઈઃ શહેર અને ઉપનગરોમાં મંગળવાર મોડી સાંજથી પડેલા અને આખી રાત ચાલુ રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકલ ટ્રેન સેવા સ્થગિત થઈ ગઈ. મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં કોઈ એક જ દિવસમાં આટલો બધો વરસાદ પડ્યો હોય એવું છેલ્લા 39 વર્ષોમાં અમુક જ વાર બન્યું છે.

મંગળવારે સવારે 8.30 વાગ્યાથી લઈને બુધવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં કુલ 286.4 મિ.મી. વરસાદ પડ્યો હતો. વર્તમાન મોસમમાં ઉપનગરોમાં આ સૌથી વધારે વરસાદ પડ્યો છે અને છેલ્લા 26 વર્ષોમાં (1994-2020) સપ્ટેમ્બર મહિનામાં 24-કલાકના ગાળામાં પડેલો આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. જ્યારે 1974થી 2020 સુધીના વર્ષો દરમિયાન સપ્ટેમ્બરમાં 24-કલાકની દ્રષ્ટિએ આ ચોથા નંબરનો સૌથી વધુ વરસાદ થયો છે.

2016ની 20 સપ્ટેમ્બરે મુંબઈમાં એક જ દિવસમાં 303.7 મિ.મી. વરસાદ પડ્યો હતો. તે પહેલાં, 1993ની 23 સપ્ટેમ્બરે 312.4 મિ.મી. વરસાદ પડ્યો હતો અને 1981ની 23 સપ્ટેમ્બરે 318.2 મિ.મી. વરસાદ પડ્યો હતો, જે અત્યાર સુધીનો વિક્રમ છે.

આટલો બધો વરસાદ અતિવૃષ્ટિ વખતે પડતો હોય છે.

મુંબઈમાં સમગ્ર મોસમમાં કોઈ એક જ દિવસમાં સૌથી વધારે વરસાદનો ઓલટાઈમ રેકોર્ડ છે 2005ની સાલની 26 જુલાઈનો, જ્યારે 24 કલાકમાં 39 ઈંચ વરસાદ પડ્યો હતો. આખું શહેર પૂરગ્રસ્ત બન્યું હતું.

રેલવેના પાટા પર પાણી ભરાતાં પશ્ચિમ અને મધ્ય, બંને વિભાગ પર ટ્રેન સેવા સ્થગિત કરી દેવી પડી છે.

પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે કે ચર્ચગેટ અને અંધેરી વચ્ચે અનેક જગ્યાએ પાટા પર પાણી ભરાવાથી આ બે સ્ટેશન વચ્ચે ટ્રેન સેવા હાલ સ્થગિત કરવામાં આવી છે. અંધેરી અને વિરાર વચ્ચે ટ્રેન સેવા ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકલ ટ્રેનોમાં હાલ સામાન્ય જનતાને પ્રવાસ કરવા દેવાતો નથી. માત્ર સરકારી કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ પ્રવાસ કરવા દેવામાં આવે છે.

પરંતુ, વરસાદ, રસ્તાઓ જળબંબાકાર થવાથી અને લોકલ ટ્રેન સેવા સ્થગિત કરાતાં કામ પર નીકળેલાં કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી છે.

મધ્ય રેલવેના સાયન, પરેલ સ્ટેશનો ખાતે પણ પાટા પર પાણી ભરાઈ જતાં લોકલ ટ્રેન સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

મધ્ય મુંબઈના સાયન (શીવ) સ્ટેશનનું દ્રશ્ય

હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ ભારે વરસાદ પડી શકે છે. તેથી મહાનગરપાલિકા તરફથી ટ્વિટરના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે કે ખાસ કામ હોય તો જ ઘરની બહાર નીકળવું.

મહાપાલિકાએ તેના ટ્વિટર પરથી જાહેરાત કરી છે કે દક્ષિણ મુંબઈના ભેંડીબજાર, ગોળ દેવળ, નાના ચોક, મુંબઈ સેન્ટ્રલ જંક્શન, બાવલા કમ્પાઉન્ડ, જે.જે. જંક્શન, હિંદમાતા, કાલાચોકી, સારથી બાર, વરલી સી ફેસ વિસ્તારોમાં પાણી ભરાયા છે.

તમામ વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.