મુંબઈઃ વિનાશકારી જીવલેણ કોરોનાવાઈરસ બીમારીની ત્રીજી લહેર આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર સજ્જ બની ગઈ છે. ઠાકરેએ જણાવ્યું છે કે સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આવશ્યક દવાઓ, મેડિકલ સાધનસામગ્રી પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ થાય એ માટેના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
ઠાકરેએ ગઈ કાલે ડોક્ટરો-નિષ્ણાતો તથા કોવિડ-19 ટાસ્ક ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એમણે એવો ભય વ્યક્ત કર્યો છે કે લોકોનાં ટોળાં જો ફરી જામશે અને આરોગ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન નહીં થાય તો મહારાષ્ટ્રએ આવતા બે મહિનામાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો પડશે. પહેલી લહેર વખતે અમારી પાસે સુવિધાઓનો અભાવ હતો. ત્યારબાદ એ વધારતા ગયા. બીજી લહેરે અમને ઘણું શીખડાવ્યું છે. તે લહેર હવે નબળી પડી રહી છે અને તેમાંથી મળેલા અનુભવના આધારે અમે આવશ્યક દવાઓ, આરોગ્ય સુવિધાઓ, હોસ્પિટલો-આરોગ્ય કેન્દ્રોમાં પથારીઓ, ઓક્સિજનની ઉપલબ્ધ જેવા પગલાં અત્યારથી જ લેવાનું શરૂ કરી દીધું છે.