મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોનાવાઈરસ રોગચાળાની પરિસ્થિતિને કારણે 9મા અને 11મા ધોરણના તમામ રાજ્ય શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને કોઈ પણ પરીક્ષા વગર આગળના વર્ગમાં પ્રમોટ કરી દીધા છે. સરકારના આ નિર્ણયની જાહેરાત રાજ્યનાં શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કરી છે. અગાઉ એવા સમાચાર હતા કે આ બે ધોરણની પરીક્ષા ઓનલાઈન યોજવામાં આવશે, પરંતુ હવે સરકારે એ વિચાર પડતો મૂકી દીધો છે.
10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ આગામી અમુક દિવસોમાં લેવાય એવી શક્યતા છે. 10માની બોર્ડ લેખિત પરીક્ષા 29 એપ્રિલથી 20 મે દરમિયાન અને 12મા ધોરણની લેખિત પરીક્ષા 23 એપ્રિલથી 21 મે દરમિયાન યોજાનાર છે. ધોરણ 1-8ના વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં પ્રમોટ કરવાના નિર્ણયની જાહેરાત ક્યારની કરી દેવામાં આવી છે.