‘કારગિલ યુદ્ધ’ના કમાન્ડો મધુસૂદન સુર્વેનું ‘કેઈએસ’ દ્વારા સમ્માન

મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES) સંચાલિત શ્રી ટી. પી. ભાટિયા કૉલેજ ઑફ સાયન્સ અને કે.ઈ.એસ. શ્રોફ કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સના કેઈએસ એનસીસી યુનિટના ઉપક્રમે મંગળવારે ૨૬મી જુલાઈએ ‘કારગિલ વિજય દિવસ’ની ઊજવણી કરવામાં આવી હતી. એ પ્રસંગે શૌર્યચક્રના વિજેતા અને પેરા કમાન્ડો મધુસૂદન સુર્વે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.  

‘કારગિલ વિજય દિવસ’ની ઊજવણી પ્રસંગે શૌર્યચક્ર વિજેતા અને પેરા કમાન્ડો મધુસૂદન સુર્વેનું અભિવાદન કરતાં ડૉ. સંગીતા શ્રીવાસ્તવ

સુર્વે ‘ઓપરેશન રક્ષક’, ‘ઓપરેશન હિફાજત’ અને ‘ઓપરેશન સાયનાઇડ’ – એમ ત્રણ મોટી કાર્યવાહીમાં સામેલ હતા. નોંધનીય છે કે એમના પરિવારના અનેક સભ્યો લશ્કરમાં સેવા બજાવે છે. સામાન્ય સંજોગોમાં માતાઓ પોતાનાં સંતાનોને લશ્કરમાં મોકલતાં ડરતી હોય છે, પરંતુ સુર્વેનાં માતાએ સામેથી એમને લશ્કરમાં જોડાવા પ્રેરિત કર્યાં હતાં.  

દુશ્મનો સામે લડતાં લડતાં સુર્વેને એક પગમાં ૭, બીજામાં ૨ અને પેટમાં ૨ એમ કુલ ૧૧ બુલેટ્સ વાગી હતી. આમ છતાં એમણે હિંમતપૂર્વક દુશ્મનોનો પીછો કરીને એમને ઠાર કર્યા હતા. તેમણે લગભગ અશક્ય સંજોગોમાં શત્રુઓ પર ત્રણ હાથગોળા ઝીંક્યા હતા. તેઓ પ્રશિક્ષિત સ્ક્યુબા ડાઇવર છે. એમને દુશ્મનોના વિસ્તારમાં ૧૮,૦૦૦ ફૂટની ઉંચાઈએથી પેરેશૂટ દ્વારા ઉતારવામાં આવ્યા હતા. 

સુર્વેએ પોતાની શૌર્યગાથા સંભળાવતાં શ્રોતાગણમાં હાજર વિદ્યાર્થીઓને પોરસ ચડ્યું હતું. આ પ્રસંગે ઉક્ત કૉલેજોનાં આચાર્યાં – ડૉ. સંગીતા શ્રીવાસ્તવ તથા ડૉ. લિલી ભૂષણ પણ ઉપસ્થિત હતાં.