9-12 જૂન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની આગાહી

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતી 9થી 12 જૂન દરમિયાન મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર (મુંબઈ શહેર, મુંબઈ ઉપનગરો, પડોશના નવી મુંબઈ, થાણે, વસઈ-વિરાર, રાયગડ) સહિત કોંકણ પ્રદેશના તમામ જિલ્લોમાં ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા વહીવટીતંત્રો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સંભાળતી એજન્સીઓને સજ્જ રહેવાની સૂચના આપી છે.

જોખમી હાલતવાળા મકાનો, અવારનવાર ભેખડ ધસી પડતી હોય એવા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ત્યાંથી ખસેડી દેવા પણ જણાવી દેવામાં આવ્યું છે. જોકે કોરોનાવાઈરસના દર્દીઓની સારવારમાં કોઈ અડચણ ન આવે એની ખાસ તકેદારી રાખવા પણ ઠાકરેએ કહ્યું છે.