મહારાષ્ટ્ર 7-જૂનથી અનલોકઃ મુંબઈ ‘ત્રીજા લેવલ’માં

મુંબઈઃ મુંબઈમાં કોરોનાવાઈરસ બીમારીના પોઝિટીવ કેસોનો દર ઘટીને 5.56 ટકા થયો છે તેથી મહારાષ્ટ્ર સરકારે ‘બ્રેક ધ ચેન’ ઝુંબેશ અંતર્ગત જાહેર કરેલી અને 7 જૂન, સોમવારથી અમલમાં મૂકાનારી ‘પાંચ-લેવલની અનલોક પ્રક્રિયા’ અંતર્ગત મહાનગરને ‘લેવલ-3’માં મૂકવામાં આવ્યું છે. અગાઉ, મુંબઈને લેવલ-2માં મૂકવામાં આવ્યું હતું, પરંતુ કોરોના પોઝિટીવ દર 5 ટકાથી વધી જતાં તેને લેવલ-3માં રાખવું પડ્યું છે. લેવલ-2માં પાંચ ટકા પોઝિટીવીટી રેટવાળા જિલ્લાઓને સામેલ કરવામાં આવ્યા છે.

હવે સોમવારથી મુંબઈમાં આવશ્યક ચીજવસ્તુઓ-સેવા પૂરી પાડતી દુકાનો-સ્ટોર્સને ખુલ્લી રાખવામાં છૂટછાટ આપવામાં આવી છે. આ દુકાનો સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. લેવલ-2માં આવી દુકાનોને આખો દિવસ ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ છે. મુંબઈની પડોશનો થાણે શહેર-જિલ્લો લેવલ-1માં છે અને ત્યાં બધી જ પ્રવૃત્તિઓ ખુલ્લી કરી દેવામાં આવશે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે એક અઠવાડિયા સુધી ચર્ચા કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારે 7 જૂનથી પાંચ-લેવલની અનલોક પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કર્યું છે.

7 જૂનથી મુંબઈમાં કોને-કેટલી પરવાનગી?

આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો દરરોજ સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

બિન-આવશ્યક ચીજોની દુકાનો માત્ર સોમથી શુક્ર સુધી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

તમામ ચીજવસ્તુઓની ઈ-કોમર્સ પ્રવૃત્તિઓને છૂટ.

શોપિંગ મોલ્સ અને થિયેટરો બંધ જ રહેશે.

જાહેર સ્થળોએ સાઈક્લિંગ અને મોર્નિંગ વોક માટે દરરોજ સવારે માત્ર 5-9 વાગ્યા સુધી જ પરવાનગી.

લોકલ ટ્રેનોમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવા પર હજી પ્રતિબંધ. માત્ર મેડિકલ અને આવશ્યક સેવાઓના કર્મચારીઓ જ પ્રવાસ કરી શકશે.

ખાનગી ઓફિસો કામકાજના દિવસો દરમિયાન 50 ટકા કર્મચારી-હાજરી સાથે સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. સરકારી ઓફિસોમાં પણ 50-ટકા ક્ષમતાની જ પરવાનગી છે.

ફિલ્મ શૂટિંગની પરવાનગી, પરંતુ ‘બબલ’ની અંદર જ તેમજ પાંચ વાગ્યા સુધી બહાર કોઈ પ્રવૃત્તિ નહીં.

લોકો ‘બેસ્ટ’ બસોમાં પ્રવાસ કરી શકશે, પરંતુ સ્ટેન્ડિંગની પરવાનગી નહીં.

રેસ્ટોરન્ટ્સમાં 50-ટકા ક્ષમતા સાથે સાંજે 4 વાગ્યા સુધી ગ્રાહકોને જમાડી શકાશે. ત્યારબાદ માત્ર પાર્સલ (ટેકઅવે) અને હોમ ડિલિવરીની પરવાનગી.

જિમ્નેશિયમ, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લરો 50-ટકા ક્ષમતા સાથે સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે.

લોકોની જમાવબંદી સાંજે પાંચ વાગ્યા બાદ મર્યાદિત રહેશે.

આઉટડોર સ્પોર્ટ્સ માટે દરરોજ સવારે માત્ર 5-9 સુધી.

સામાજિક, સાંસ્કૃતિક, મનોરંજક કાર્યક્રમો 50-ટકા ક્ષમતા સાથે યોજી શકાશે.

લગ્નસમારંભો અને અંતિમસંસ્કાર વિધિ વખતે માત્ર 50 જણની હાજરીની છૂટ.

બાંધકામ પ્રવૃત્તિઓને છૂટ છે, પણ સાઈટ પરથી મજૂરોએ સાંજે 4 વાગ્યા સુધીમાં રવાના થઈ જવું પડશે.

(આ છે, મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલી અનલોક પ્રક્રિયા વિશેની યાદી)