મુંબઈઃ ઓમિક્રોન વેરિઅન્ટે હાહાકાર ફેલાવ્યો છે ત્યારે ઘણા મુંબઈવાસીઓ પોતાના ઘરમાં જ કોરોનાવાઈરસની ટેસ્ટ કરી લેતા હોવાનું માલૂમ પડ્યું છે. એમાંના ઘણાં લોકો નિદાનના અહેવાલની જાણકારી મહાનગરપાલિકા તંત્રને આપતા નથી. તેને કારણે પાલિકા પ્રશાસને શહેરના તમામ મેડિકલ સ્ટોર સંચાલકોને અને FDA અધિકારીઓને આદેશ આપ્યો હતો કે રેપિડ એન્ટિજેન ટેસ્ટ કિટ ખરીદનારાઓનું સંપૂર્ણ વર્ણન પાલિકાને આપે.
એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 10 દિવસમાં 1 લાખ 28 હજાર 818 જણે એમના ઘરમાં જ રેપિડ એન્ટિજેન કિટની મદદથી ટેસ્ટ કરી લીધી હતી. એમાંના 4,497 દર્દી કોરોના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યા છે. મુંબઈમાં કોરોનાના લક્ષણ ન હોય એવા ઘણા લોકો કોરોના ટેસ્ટ કરાવતા નથી તો ઘણા લોકો એમના ઘરમાં જ ટેસ્ટ કરી લે છે, પણ પાલિકા પ્રશાસનને જાણ કરતા નથી. તેથી કેટલા લોકોને કોરોના થયો છે તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી. લક્ષણ ન હોય તથા નોંધણી ન કરેલા દર્દીઓના અહેવાલ અપલોડ કરવામાં આવતા નથી. એને કારણે રોગનો ચેપ ફેલાવાની શક્યતા વધે છે. આવા દર્દીઓ સુપરસ્પ્રેડર બની શકે છે.