પ્રજાસત્તાક દિનઃ મહારાષ્ટ્રના 51-પોલીસજવાનોનું કેન્દ્ર તરફથી સમ્માન

મુંબઈઃ દેશના 73મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પ્રસંગની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પોલીસ ચંદ્રકોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં કુલ 51 પોલીસ જવાનોને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આમાં ચાર પોલીસ અધિકારીને ઉત્કૃષ્ટ સેવા બજાવવા બદલ ‘રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા ચંદ્રક’, સાત જવાનને ‘પોલીસ શૌર્ય ચંદ્રક’ અને 40 જવાનોને ‘પોલીસ ચંદ્રક’ આપવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિન-2022 નિમિત્તે કેન્દ્ર સરકાર તરફથી દેશભરમાં 939 પોલીસ જવાનોને મેડલ આપીને સમ્માનિત કર્યા છે. જમ્મુ અને કશ્મીરના 115 જવાનોને મેડલ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના જે ચાર પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ પ્રાપ્ત થયો છે, એમના નામ છેઃ વિનય મહાદેવરાવ કરગાંવકર (એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, જૂના કસ્ટમ હાઉસ, ફોર્ટ, મુંબઈ), પ્રહલાદ નિવૃત્તિ ખાડે (કમાન્ડન્ટ એસઆરપીએફ, ધુળે), ચંદ્રકાંત રામભાઉ ગુંડગે (પોલીસ ઈન્સ્પેક્ટર, દૌંડ, પુણે) અને અન્વર બેગ ઈબ્રાહિમ બેગ મિર્ઝા (પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, એસ.પી. નાંદેડ).