રાહત-આશંકાની મિશ્ર-લાગણી વચ્ચે સોમવારથી શાળાઓ ફરી શરૂ

મુંબઈઃ કોરોનાવાઈરસ અને ઓમિક્રોન વેરિઅન્ટના ચેપનો ફેલાવો અંકુશમાં હોવાના અહેવાલો વચ્ચે શહેરમાં શાળાઓ અને  ફરી શરૂ કરવાના મુદ્દે ચર્ચાનો હવે અંત આવી ગયો છે. શાળાઓ આવતીકાલ, 24 જાન્યુઆરીથી ફરી શરૂ કરવામાં આવનાર છે. શાળાઓ ફરી શરૂ થવા અંગે માતાપિતા/વાલીઓ, પ્રિન્સીપાલો, શિક્ષકો, વિદ્યાર્થીઓ – એમ લાગતા વળગતા તમામ લોકોમાં રાહતની લાગણી છે. જોકે દરેક સ્થળે થોડીક આશંકા જરૂર પ્રવર્તે છે.

શાળાઓએ એમના શિક્ષકો તથા સહકારી કર્મચારીઓને કોરોના નિયંત્રણોના અમલ વિશે ઘણા મહિનાઓથી તાલીમ આપી છે. વિદ્યાર્થીઓની સલામતીને ટોચની પ્રાથમિક્તા આપવામાં આવશે અને એમને માટે સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખાનગી કે.જી. સ્કૂલ્સ (પ્રિ-સ્કૂલ્સ) શરૂ કરવામાં આવનાર છે. આ માટે સમગ્ર મહારાષ્ટ્રની પ્રિ-સ્કૂલ્સના શિક્ષકોને સ્વયં તેમજ બાળકોની સુરક્ષાના પગલાં અંગે માહિતગાર કરી દેવામાં આવ્યાં છે.