મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન દેશમુખ આખરે કસ્ટડીમાં

મુંબઈઃ મહારાષ્ટ્રના પોલીસ દળમાં કથિત ખંડણીના કૌભાંડ સાથે સંકળાયેલા રૂ. 1000 કરોડના મની લોન્ડરિંગના એક કેસમાં 12 કલાક સુધી પૂછપરછ કરાયા બાદ કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અમલદારોએ રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ગઈ મોડી રાતે ધરપકડ કરી હતી.

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 71 વર્ષના નેતા દેશમુખની મની લોન્ડરિંગ પ્રતિબંધક કાયદા (PMLA)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તપાસનીશ અધિકારીઓનો દાવો છે કે પૂછપરછમાં દેશમુખે સહકાર આપ્યો નહોતો. તેથી એમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી પડશે. અમલદારો આજે દેશમુખને સ્થાનિક કોર્ટમાં હાજર કરશે. દેશમુખ ગઈ કાલે સવારે 11.40 વાગ્યે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ કાર્યાલયમાં પહોંચ્યા હતા. એમની સાથે એમના વકીલ તથા સહયોગીઓ હતા. વચમાં અમુક બ્રેક આપતા રહીને ઈડી અમલદારોએ 12 કલાક સુધી દેશમુખની પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સ રદ કરવામાં આવે એવી દેશમુખની અરજીનો મુંબઈ હાઈકોર્ટે ઈનકાર કરી દેતાં દેશમુખને એજન્સી સમક્ષ હાજર થવાની ફરજ પડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]