મુંબઈ-સહિત ભારતના 12-શહેર ડૂબી જવાનો ખતરો: NASA-રિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ કન્ફર્મ કરીને ચેતવણી આપી છે કે આપણા પૃથ્વી ગ્રહ પરના પર્યાવરણમાં જીવલેણ સાબિત થઈ શકે એવા ધરખમ ફેરફારો જોવા મળે એ પહેલાં દુનિયાના આગેવાન નેતાઓએ સંગઠિત થવાની અને હવામાનમાં મસમોટાં ફેરફારો થતા રોકવા ત્વરિત ઉચિત પગલાં લેવાની જરૂર છે.

‘નાસા’ સંસ્થાએ દુનિયાભરમાં સમુદ્રની સપાટીઓમાં થઈ રહેલા ફેરફારોની તાજેતરમાં સમીક્ષા કરી હતી. એ માટે તેણે સંયુક્ત રાષ્ટ્ર (UN) સંસ્થાની ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (આઈપીસીસી) પેટા-સંસ્થાના એક અહેવાલને આધાર તરીકે લીધો હતો. ‘નાસા’ને તે સમીક્ષા દરમિયાન ચોંકાવનારી બાબતો જાણવા મળી છે. તેના અહેવાલમાં જણાવાયું છે કે હવામાનમાં પરિવર્તનને કારણે ભારતના સમુદ્રકાંઠા પરના 12 શહેરો પર દરિયાનું પાણી ફરી વળે અને તે ડૂબાણ હેઠળ જાય એવો ખતરો છે. આ 12 શહેરોમાં મુંબઈ અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. આ શહેરોને છેલ્લા અમુક વર્ષો દરમિયાન હવામાનમાં ફેરફારને કારણે ઘણી માઠી અસર પહોંચી છે. IPCCના અહેવાલમાં દર્શાવાયું છે કે જો હવામાનમાં ફેરફારના હાલના ટ્રેન્ડ ચાલુ રહેશે તો મુંબઈ શહેર 1.9 ફૂટ જેટલું પાણીની અંદર જતું રહેશે.