મુંબઈઃ NSEના સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ (SSE) પર એકલવ્ય ફાઉન્ડેશન લિસ્ટિંગ મેળવ્યું છે. આ પૂર્વે 13 ડિસેમ્બર, 2023એ ઉન્નતિ ફાઉન્ડેશન લિસ્ટ થઈ હતી. એકલવ્યના લિસ્ટિંગ પ્રસંગે સ્વૈચ્છિક સંસ્થાઓના અનેક પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝેરોધા જેવા દાતાઓ, નાબાર્ડ અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું હતું કે મને નાણાપ્રધાન નિર્મલા સીતારમણના 2019ના બજેટ વખતના ભાષણના શબ્દો યાદ આવે છે, જેમાં તેમણે મૂડીબજારને વિશાળ જનસંખ્યા સુધી લઈ જવાની અને સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસ સહિતના સામાજિક કલ્યાણનાં લક્ષ્યો સિદ્ધ કરવાનું વિઝન રજૂ કર્યું હતું. એમાંથી SSEનો પ્રાદુર્ભાવ થયો હતો. SSE હકીકત બની શક્યું એ માટે સેબીની ભૂમિકા પણ પ્રશંસનીય રહી છે. એકલવ્ય ફાઉન્ડેશને સફળતાપૂર્વક રૂ. 85.30 લાખ એકત્ર કર્યા હતા. આ ભંડોળ તેલંગણા રાજ્યના આદિવાસી ખે઼ડૂતોને તાલીમ પ્રાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ખેડૂતોને કૃષિ સંબંધિત ક્ષેત્રોની તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
SSE પ્લેટફોર્મ સતત વૃદ્ધિ પામી રહ્યું છે અને અત્યારે અમારી પાસે 50 રજિસ્ટર્ડ નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સ (NPO) છે. આમાંની કેટલીક એપીઓએ ફંડ એકત્ર કર્યું છે અને અન્ય ઘણી સંસ્થાઓ ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયામાં છે. SSE પ્લેટફોર્મ નાણાકીય બજારો અને સમાજકલ્યાણ હેતુઓ વચ્ચેના ગેપને પૂરવા પ્રતિબદ્ધ છે, જેના દ્વારા લોકોના વિશાળ વર્ગને નાણાકીય દ્રષ્ટિએ સક્ષમ બનાવી વિકાસ કરી શકાશે.