રિલાયન્સ, ડિઝનીની દેશમાં રૂ. 70,000 કરોડના સંયુક્ત સાહસની જાહેરાત

મુંબઈઃ  રિલાયન્સ ઇન્ડ. લિમિટેડ (RIL), વાયાકોમ18 મિડિયા પ્રા. લિમિટેડ (Viacom18) અને ધ વોલ્ટ ડિઝની કંપની  (Disney)એ વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસની રચના કરવા માટે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે Viacom18ના મિડિયાને કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી સ્કીમ ઓફ એરેન્જમેન્ટના અન્વયે સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SIPL)માં મર્જ કરવામાં આવશે.

કંપની (RIL) આ સંયુક્ત સાહસમાં રૂ. 11,500 કરોડ (US $ 1.4 બિલિયન)નું રોકાણ કરશે. આ ટ્રાન્ઝેક્શનમાં પોસ્ટ-મની બેસીસ પર (રોકાણનું મૂલ્ય ગણતરીમાં લીધા બાદ) સંયુક્ત સાહસનું મૂલ્ય રૂ. 70,352 કરોડ (US $ 8.5 બિલિયન) આંકવામાં આવ્યું છે. આ  સંયુક્ત સાહસ RIL દ્વારા નિયંત્રિત થશે અને તેમાં RIL 16.34 ટકા, Viacom18 46.82 ટકા અને ડિઝની 36.84 ટકા હિસ્સાની માલિકી પ્રાપ્ત કરશે.

ડિઝની આ સંયુક્ત સાહસમાં અમુક વધારાની મિડિયા સંપત્તિઓનું યોગદાન પણ આપી શકે છે, જે નિયમનકારી અને થર્ડ-પાર્ટી મંજૂરીઓને આધીન રહેશે. નીતા એમ. અંબાણી સંયુક્ત સાહસના અધ્યક્ષ હશે તેમ જ  ઉદય શંકર ઉપાધ્યક્ષ તરીકે સંયુક્ત સાહસને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડશે.

આ સંયુક્ત સાહસ ભારતમાં એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ કન્ટેન્ટના અગ્રણી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકીનું એક હશે, જે જિયો સિનેમા અને હોટસ્ટારના માધ્યમથી ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ્સમાં સૌથી વધારે અપેક્ષિત ઇવેન્ટ્સના એક્સેસ સહિત એન્ટરટેઇનમેન્ટ (દા.ત. કલર્સ, સ્ટારપ્લસ, સ્ટારગોલ્ડ) અને સ્પોર્ટ્સ (દા.ત. સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18) એસેટ્સને એકસાથે લાવશે. સંયુક્ત સાહસના ભારતમાં 750 મિલિયનથી વધુ દર્શકો હશે અને તે વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાને સેવા આપશે.

આ JV ભારતમાં મિડિયા અને મનોરંજન ઉદ્યોગમાં ડિજિટલ પરિવર્તનના યુગનું નેતૃત્વ કરશે અને ઉપભોક્તાઓને કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે હાઈ-ક્વોલિટી અને કોપ્રિહેન્સિવ કન્ટેન્ટ ઓફરિંગ્સ પ્રસ્તુત કરશે. આ JVને 30,000 કરતાં વધુ ડિઝની કન્ટેન્ટ એસેટ્સના લાઇસન્સની સાથે, ભારતમાં ડિઝની ફિલ્મ્સ એન્ડ પ્રોડક્શન્સને ડિસ્ટ્રિબ્યુટ કરવાના એક્સક્લુઝિવ રાઈટ્સ પણ પ્રાપ્ત થશે, જેને પગલે ભારતીય ઉપભોક્તાઓને મનોરંજનનો સંપૂર્ણ ગુચ્છો ધરાવતા વિકલ્પો પ્રાપ્ત થશે.

આ JV વિશે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD મુકેશ ડી અંબાણીએ જણાવ્યું હતું કે ભારતીય મનોરંજન ઉદ્યોગમાં નવા યુગના આગમનની ઘોષણા કરતો સીમાચિહ્નરૂપ કરાર છે. રિલાયન્સ ગ્રુપના ચાવીરૂપ ભાગીદાર તરીકે અમે ડિઝનીનું સ્વાગત કરીએ છીએ.

વોલ્ટ ડિઝની કંપનીના CEO  બોબ ઈગરે જણાવ્યું હતું કે ભારતીય બજાર અને ગ્રાહકોની નાડ રિલાયન્સ સારી રીતે પારખે છે અને સાથે મળીને અમે દેશની અગ્રગણ્ય મિડિયા કંપની બનાવીશું, જે અમને ડિજિટલ સર્વિસીઝના વિશાળ પોર્ટફોલિયો તેમ જ મનોરંજન અને સ્પોર્ટ્સ કન્ટેન્ટ સાથે ઉપભોક્તાઓને વધુ સારી સેવા પૂરી પાડવાની તક આપશે. આ ટ્રાન્ઝેક્શન નિયમનકારી, શેરધારકો તેમ જ ગ્રાહકોને લગતી મંજૂરીઓને આધીન છે.