માસ્કવિહોણા લોકો પાસેથી 4 કરોડ વસૂલ કરાયા

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાએ છેલ્લા એક વર્ષથી હાહાકાર મચાવ્યો છે અને અસંખ્ય લોકોનો ભોગ પણ લીધો છે તે છતાં ઘણા લોકો સરકારે જાહેર કરેલા કોવિડ-નિયમોનું પાલન કરવામાં બેદરકારી બતાવે છે. શહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા હોય એવા ઘણા લોકો જોવા મળે છે. પોલીસે એવા બે લાખ જેટલા લોકો પાસેથી દંડ રૂપે ગયા એક જ મહિનામાં રૂ. ચાર કરોડ વસૂલ કર્યા છે.

દંડનો આ આંકડો 20 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધીના એક મહિનાનો છે. આ જાણકારી મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી એસ.ચૈતન્યએ આપી છે. વસૂલ કરાયેલા દંડની રકમનો અડધો હિસ્સો મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની તિજોરીમાં જમા થાય છે જ્યારે બાકીની રકમ પોલીસ વિભાગની કલ્યાણ પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવે છે. માસ્કવિહોણા લોકોને અટકાવી એમની પાસેથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી ચાલુ જ રહેશે, એમ ડીસીપી ચૈતન્યએ કહ્યું છે.