શુક્રવારે સવારે 6થી સાંજે 6 સુધી ‘ભારત-બંધ’

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતો એમનું આંદોલન તીવ્ર બનાવવા માગે છે. માટે જ એમના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ આવતીકાલે, શુક્રવારે ભારત બંધનું એલાન કર્યું છે. આ ભારત બંધ સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી, 12 કલાકનું રહેશે. બંધ દરમિયાન દેશભરમાં રેલવે અને રોડ ટ્રાન્સપોર્ટ સેવાઓ, બજારો બંધ રહે એવી સંભાવના છે.

સંગઠને દેશના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ભારત બંધને સંપૂર્ણપણે સફળ બનાવે. ઉલ્લેખનીય છે કે, હજારો ખેડૂતો છેલ્લા ચાર મહિનાથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના હદ વિસ્તારોમાં શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યાં છે. એમનું કહેવું છે કે ખેડૂતોની માગણી સ્વીકારવાને બદલે કેન્દ્ર સરકાર એમને સાવ અપમાનિત કરી રહી છે.