28-ઓક્ટોબરથી પૂર્ણ-ક્ષમતા સાથે લોકલ-ટ્રેન સેવા ફરી ઉપલબ્ધ

મુંબઈઃ મુંબઈગરાંઓ અને સ્થાનિક કામદારોને આનંદ થાય એવા સમાચાર છે કે, મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે, બંનેએ એક સંયુક્ત નિવેદન દ્વારા જાહેરાત કરી છે કે શહેરમાં ઉપનગરીય ટ્રેન સેવા કોરોના રોગચાળાના ફેલાવા પૂર્વે હતી એવી 100 ટકા ક્ષમતા સાથે આ જ મહિનાથી – 28મી ઓક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવશે. બંને રેલવે વિભાગે એમ પણ જણાવ્યું છે કે કોરોનાનો ફેલાવો રોકવા માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોએ આમજનતા માટે લાગુ કરેલા પ્રવાસ-નિયંત્રણો જોકે યથાવત્ રહેશે. સરકારે જે કેટેગરીનાં લોકોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી છે માત્ર એમને જ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવશે. હાલ સરકારી કર્મચારીઓ, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ ચૂકેલા અને બીજા ડોઝ બાદ 14-દિવસનો સમયગાળો પૂરો કરનાર લોકો તથા 18 વર્ષથી નીચેની વયનાં લોકોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવામાં આવે છે.

મુંબઈમાં વધુ ને વધુ ઓફિસો વર્ક ફ્રોમ હોમ પદ્ધતિનો અંત લાવી રહી છે અને બજારો પણ ખુલી રહી છે તેથી લોકલ ટ્રેન પ્રવાસીઓની સંખ્યા રોજેરોજ જે રીતે વધી રહી છે. આ બાબતને લક્ષમાં રાખીને ટ્રેન સેવા 100 ટકા ક્ષમતા સાથે 28 ઓક્ટોબરથી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મધ્ય અને પશ્ચિમ, બંને રેલવે 28 ઓક્ટોબરથી એમના ઉપનગરીય માર્ગો પર અનુક્રમે 1,774 અને 1,367 ટ્રેનો દોડાવશે. કોરોના રોગચાળો ફાટી નીકળ્યો હતો એ પહેલાં આશરે 80 લાખ લોકો મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા હતા. આમ, મુંબઈની લોકલ ટ્રેનો દોઢ વર્ષે ફરી પૂરી ક્ષમતા સાથે દોડતી થશે.