50% બાળકોમાં એન્ટીબોડીઝઃ સર્વેનું તારણ

મુંબઈઃ કોરોનાવાઈરસની ત્રીજી લહેર બાળકોને અસર કરશે એવી સંભાવનાને ધ્યાનમાં લઈને મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ શહેરમાં કેટલા બાળકોને SARS-CoV-2 ચેપી બીમારી લાગુ થઈ છે એ જાણવા માટે મહાનગરપાલિકા સંચાલિત નાયર હોસ્પિટલ અને કસ્તુરબા મોલેક્યૂલર ડાયગ્નોસ્ટિક લેબોરેટરી દ્વારા સંયુક્ત રીતે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો. એના પરથી માલૂમ પડ્યું છે કે આરોગ્યકેન્દ્રોમાં દાખલ કરાયેલા કુલ બાળકોમાંના 50 ટકા જેટલામાં કોવિડ-19નો સામનો કરવા માટેના એન્ટીબોડીઝ છે. આમ આ રાહતના સમાચાર છે. આ જાણકારી બીએમસીની એક અખબારી યાદીમાં આપવામાં આવી છે.

આ સીરો સર્વે ગઈ 1 એપ્રિલ અને 15 જૂન વચ્ચે, મુંબઈના 24 વોર્ડમાં હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 2,176 બાળકોનાં રક્તના નમૂના પેથોલોજી લેબોરેટરીઓમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા.

સીરો સર્વેમાં સીરોલોજી પરીક્ષણ હાથ ધરવામાં આવે છે, એ ચેક કરવા માટે કે વ્યક્તિમાં એન્ટીબોડીઝ છે કે નહીં. જો કોઈ વ્યક્તિમાં ચોક્કસ માત્રામાં એન્ટીબોડીઝનો મોટો જથ્થો હોવાનું માલૂમ પડે તો એનો અર્થ એ થાય કે એ વ્યક્તિને ભૂતકાળમાં ચેપ લાગ્યો હતો. બીએમસીના સીરો-સર્વેમાં એક હેલ્થકેર કેન્દ્રમાં 50 ટકાથી વધારે બાળકોને SARS-COV-2નો ચેપ લાગી ચૂક્યો હતો. 10-14 વર્ષની વયનાં બાળકોમાં સીરોપોઝિટિવિટી દર 53.43 ટકા હતો. 1-4 વર્ષનાં બાળકોમાં 51.04 ટકા, 5-9 વર્ષની વયનાંઓમાં 47.33 ટકા, 15-18 વર્ષની વયનાંઓમાં 51.39 ટકા હોવાનું માલૂમ પડ્યું છે.