મહારાષ્ટ્રમાં દરેક નાગરિકને મફતમાં કોરોના-રસી અપાશે

મુંબઈઃ કોરોનાવાઈરસ વિરોધી રસી સરકારે મફતમાં આપવી જોઈએ એવી ચર્ચા ચાલી રહી છે તેવામાં મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર 18-45 વર્ષની વયના તેના તમામ નાગરિકોને મફતમાં રસી આપશે. આ જાહેરાત રાજ્યના અલ્પસંખ્યક કોમોના પ્રધાન નવાબ મલિકે કરી છે. એમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યમાં દરેક નાગરિકને કોરોના રસી મફતમાં આપવાના મુદ્દે રાજ્યના પ્રધાનમંડળમાં ચર્ચા કરવામાં આવી હતી.

ગઈ કાલે, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાંપ્રધાન અજિત પવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર કોવિડ-19 રસીઓ અને રેમસેડિવીર ઈન્જેક્શનો માટે વૈશ્વિક ટેન્ડર મૂકશે, જેથી ભારતીય કંપનીઓ કરતાં સસ્તા ભાવે રસી ખરીદી શકાય. કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુની વયનાં લોકોને રસી આપવાની પરવાનગી આપી છે અને મહારાષ્ટ્ર સરકાર 1 મેથી આ કેટેગરી માટે રસીકરણ ઝુંબેશ શરૂ કરશે.