મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે આજે જણાવ્યું છે કે રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન અને સિનિયર નેતા બાળાસાહેબ થોરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલી મફત કોરોના-રસીકરણ ઝુંબેશ માટે મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં એમનો એક વર્ષનો પગાર દાનમાં આપશે. કોંગ્રેસનું મહારાષ્ટ્ર એકમ મફત રસીકરણ ઝુંબેશ માટે ઉપયોગમાં લઈ શકાય એ માટે રૂ. પાંચ લાખની રકમનું દાન મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં આપશે. એક નિવેદનમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં કોંગ્રેસના અન્ય પ્રધાનો અને પક્ષના વિધાનસભ્યો પણ આ જ હેતુસર એમનો એક મહિનાનો પગાર મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં દાનમાં આપશે. આ બધું મળી આશરે બે કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું થશે. તે ઉપરાંત સંગમનેર જિલ્લામાં થોરાત એમની સાકર સહકારી મંડળીઓના બનાવેલા અમૃત ઉદ્યોગ સમૂહના પાંચ હજાર કર્મચારીઓની રસી પાછળ થનાર રૂ. પાંચ લાખના ખર્ચની રકમ પણ મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં દાન આપવાના છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં 18-44 વર્ષના વયજૂથનાં તમામ 5.71 કરોડ લોકોને રાજ્ય સરકાર દ્વારા મફતમાં કોરોના-વિરોધી રસી આપવામાં આવશે. આ માટે સરકારને રૂ. 6,500 કરોડનો ખર્ચ થશે.