મહારાષ્ટ્રમાં 18-44 વયનાંઓને સરકાર મફતમાં રસી આપશે

મુંબઈઃ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારે આજે નિર્ણય લીધો છે કે રાજ્યમાં 18-44 વર્ષના વયજૂથમાં આવતા 5.71 કરોડ લોકોને રાજ્ય સરકાર મફતમાં કોરોના પ્રતિરોધક રસી આપશે. આ માટે રાજ્ય સરકારને 12 કરોડ ડોઝની જરૂર પડશે અને એની ખરીદી માટે એને રૂ. 6,500 કરોડનો ખર્ચ થશે. 45 વર્ષથી ઉપરના લોકોને સરકારી હોસ્પિટલોમાં મફતમાં રસી આપવામાં આવે જ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના પ્રધાન નવાબ મલિકે ગઈ 25 એપ્રિલે જાહેર કર્યું હતું કે રાજ્યમાં 18-44 વર્ષની વયનાં લોકોને રાજ્ય સરકાર મફતમાં રસી આપશે. આજે રાજ્યના પ્રધાનમંડળે બેઠક યોજીને આ નિર્ણય લીધો છે. 18-44 વયનાંઓને રસીકરણ અંગેના કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને નાગરિકોને વ્યવસ્થિત રીતે પૂર્વસૂચના પણ અપાશે. તેથી રસીકરણ કેન્દ્રો ખાતે બિનજરૂરી ગિરદી ન કરવાની મુખ્ય પ્રધાન ઠાકરેએ લોકોને અપીલ કરી છે. રાજ્યમાં વધુ ને વધુ લોકો કોરોના-વિરોધી રસી પ્રાપ્ત કરે એ સરકારનો પ્રયત્ન છે. સરકાર રસી ઉત્પાદક કંપનીઓ – સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક સાથે ચર્ચા કરશે જેથી તેઓ તરફથી રસી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થાય.