કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પહેલી જૂન, 2026થી રાજ્ય સંચાલિત તમામ બસોમાં મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. આ યોજના ટૂંકા અંતરથી લઈને લાંબા અંતરના તમામ રૂટ પર લાગુ પડશે. સરકારના જણાવ્યાનુસાર જાહેર પરિવહન સેવા હેઠળ ચાલતી રાજ્ય સંચાલિત બસોની તમામ શ્રેણીમાં મહિલાઓ ભાડું ચૂકવ્યા વગર મુસાફરી કરી શકશે. આ પહેલનો હેતુ મહિલાઓને રાહત આપવાનો અને જાહેર પરિવહન સુધી તેમની પહોંચ વધુ સરળ બનાવવાનો છે.
મહિલાઓને મળશે QR-કોડ સ્માર્ટ કાર્ડ
આ યોજના હેઠળ દરેક મહિલા લાભાર્થીને એક વિશેષ સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે, જેમાં તેમનું નામ અને ફોટો હશે. આ કાર્ડ પર QR કોડ પણ હશે, જેના દ્વારા મુસાફરી દરમિયાન ઓળખની ચકાસણી કરી શકાશે. સ્માર્ટ કાર્ડ મેળવવા માટે મહિલાઓએ પોતાના વિસ્તારના BDO અથવા SDO કચેરીમાં અરજી કરવી પડશે. અરજી સાથે તાજો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માન્ય ઓળખ દસ્તાવેજો જમા કરાવવા પડશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સ્કૂલ અથવા કોલેજ ID સહિત અન્ય માન્ય ફોટો ઓળખપત્રોનો સમાવેશ થાય છે.
સ્માર્ટ કાર્ડ બન્યા સુધી આ રીતે મળશે સુવિધા
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સ્માર્ટ કાર્ડ જારી નહીં થાય ત્યાં સુધી મહિલાઓ કોઈ પણ માન્ય ફોટો ID બતાવીને મફત મુસાફરી કરી શકશે. આ માટે બસ કંડક્ટર મહિલાઓને ‘ઝીરો વેલ્યુ ટિકિટ’ આપશે, જેના દ્વારા મુસાફરીનો રેકોર્ડ રાખવામાં આવશે.
‘અન્નપૂર્ણા યોજના’ હેઠળ દર મહિને 3000 રૂપિયા
પશ્ચિમ બંગાળ સરકારે મહિલાઓને આર્થિક સહાય આપવા માટે ‘લક્ષ્મી ભંડાર’ યોજનાને સ્થાને નવી ‘અન્નપૂર્ણા યોજના’ અમલમાં મૂકવાની સૂચના જાહેર કરી છે. આ યોજના હેઠળ બંગાળની મહિલાઓને દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. આ યોજના પહેલી જૂનથી અમલમાં આવશે. સરકારે વધુમાં જાહેરાત કરી છે કે યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક નવા અરજદારો માટે પહેલી જૂનથી ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. સૂચનામાં જણાવાયું છે કે નવા અરજદારોની ચકાસણી તેમના નિવાસને આધારે સરકાર અથવા કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકૃત અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.




