એક જાહેરખબરમાં ખુરસી વિશેની માન્યતા દર્શાવવામાં આવી છે. કોઈની
ખુરસી પર ન બેસવું એ ભારતીય વિચારધારાનો એક ભાગ છે. ‘બત્રીસ પુતળી’ની વાર્તામાં આ વાત અત્યંત સુંદર રીતે કહેવામાં આવી છે કે એક ભરવાડનો નાનકડો દીકરો માટીના ટીંબા પર બેસીને રાજા ભોજ કરતાં પણ વધુ સારો ન્યાય કરે છે. જ્યારે ટીંબો ખોદવામાં આવે છે ત્યારે એમાંથી વિક્રમાદિત્યનું સિંહાસન નીકળે છે.
આમ, જે વ્યક્તિ જે ખુરસી પર બેસે છે, તેની ઉર્જા એ જગ્યાએ છોડી જાય છે. આજ કારણથી પોતાની ખુરસી પર કોઈને પણ બેસવા ન દેવાય અથવા બીજાની ખુરસી પર ન બેસાય.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: અમારી સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી જેટલી કમિટીઓ આવી છે, એ ભ્રષ્ટાચારના કારણે જ બદલાઈ છે. જૂના લોકો આવીને ભ્રષ્ટાચાર સાબિત કરે છે, પરંતુ એકેય રૂપિયો પાછો આવ્યો નથી. એ લોકોના ઘર અમારી સોસાયટી પર ચાલે છે. હાલની કમિટી તો પરિવાર સાથે ઓફિસના એસીમાં પડી-પાથરી રહે છે. નવરા લોકો વાતે વાતે ઉઘરાણી કરે છે. સોસાયટીના સ્વિમિંગ પુલમાં એમના ઓળખીતાઓ પડેલા દેખાય છે.
તહેવારોમાં એમના મિત્રો દારૂ પીીને અમારી સોસાયટીના લોકોને હેરાન કરે છે. પોતે મોટા માણસોને દારૂની પાર્ટીમાં બોલાવતા હોવાના દાવા કરે છે, પરંતુ સોસાયટીમાં પોલીસ આવે તો ગાયબ થઈ જાય છે. ઘણા ઉંધા ધંધા એમના રાજમાં ચાલે છે.
વળી, દરેક મેનેજરને નવી કમિટી વાળાઓએ મારીને ભગાડ્યા છે. છતાં નવા મેનેજરો પેલા જીનની માફક “જી મોરે આકા” કરીને દરેક જગ્યાએ સહી કરી દે છે અને એમના પાપ પોતાના માથે લે છે. એટલે કમિટીના બદલે મેનેજરે ખોટું કર્યું એવું કહીને કમિટી છટકી શકે. શું આવું કોઈ વાસ્તુદોષના કારણે થાય?

જવાબ: ભારતીય વાસ્તુના નિયમો માનવજાતને મદદ કરવા માટે રચાયેલા છે. તમારી સોસાયટીમાં જે રાક્ષસરાજ ચાલે છે, એની સામે તમારે જ વિરોધ કરવો પડશે. જો જૂની કમિટીએ આર્થિક ભ્રષ્ટાચાર કર્યો છે અને એ સાબિત થયું છે, તો એ પૈસા પાછા લાવવા માટે હાલની કમિટીએ પ્રયાસ કરવો જોઈએ.
પરંતુ એના બદલે એ લોકો પણ નવો ભ્રષ્ટાચાર કરે છે, એ જ બતાવે છે કે તમે લોકોએ એ વ્યવસ્થા સ્વીકારી લીધી છે. જે લોકો પોતાના હક માટે લડવાનું ભૂલી જાય છે, એ અંતે ગુલામી જ ભોગવે છે. વિરોધ કરો.
મેનેજર બિચારા પગાર માટે ન કરવાનું ઘણું કરવા તૈયાર થઈ જાય છે. બેરોજગારીના સમયમાં આ એમની મજબૂરી પણ હોઈ શકે. દરેક ખુરસીની પોતાની ઉર્જા હોય છે. જો જૂનો માણસ એ ખુરસીનો દુરુપયોગ કરીને ગયો હોય, તો એની અસર નવા માણસના માનસ પર પણ પડી શકે છે.
નવાઈની વાત એ છે કે જૂના મેનેજરો પોતાનો અનુભવ નવાને કહેતા નથી, અને તમે લોકો પણ જૂના અનુભવમાંથી શીખતા નથી. રાક્ષસોના રાજમાં પણ લોકોએ પોતાનો બચાવ કર્યો જ છે. બકાસુર સામે કૃષ્ણ નહીં, પરંતુ ભીમે વિરોધ કર્યો હતો. તમે ગુંડાઓને રાજ આપશો તો એ ગુંડાગીરી જ કરશે. એકત્રિત થઈને વિરોધ કરો.
સ્વિમિંગ પુલના પાણીથી ચામડીના રોગ થઈ શકે છે. સાવ અજાણ્યા લોકોને એમાં આવવા ન દેવાય. વળી, સોસાયટીમાં દારૂની પાર્ટીઓ થતી હોય અને તમે એ ચલાવી લેતા હો, એ પણ દુઃખદ છે.
સોસાયટીના સભ્યો દરરોજ એક વખત ઓફિસમાં આંટો મારો. એનાથી નવી ઉર્જા ઉભી થશે. શક્ય હોય તો બધા થોડો સમય ઓફિસમાં બેસો. આનાથી એ લોકોની નકારાત્મક ઉર્જાની જગ્યાએ સકારાત્મક ઉર્જા આવશે.
નવી કમિટીની પસંદગીમાં જાતિવાદ કે ભાષાવાદને બદલે સારા માણસોને પસંદ કરો.
સૂચન: પ્રમોશન થાય ત્યારે નવી ખુરસીનો આગ્રહ રાખવો જોઈએ, જેથી જૂના માણસની સમસ્યાઓનો સામનો કરવો ન પડે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )




