મુંબઈઃ આરે કોલોનીનાં આંદોલનકારીઓ સામેના તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવાયા

મુંબઈ – શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીના વડપણ હેઠળની મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકારે મુંબઈના ગોરેગાંવ ઉપનગરની આરે કોલોનીનાં પર્યાવરણ માટે આંદોલન કરનાર તમામ લોકો સામેના પોલીસ કેસ પાછાં ખેંચી લીધા છે.

ઠાકરેએ ગઈ કાલે પત્રકારો સમક્ષ આ નિર્ણયની જાહેરાત કરી હતી.

આરે કોલોની વિસ્તારમાં મેટ્રો રેલવે લાઈન-3 માટે કાર શેડ (ડેપો) બાંધવાની વિરુદ્ધમાં પર્યાવરણ-રક્ષણ તરફી લોકોએ ગત્ ભાજપ-શિવસેના સરકારના શાસન વખતે આંદોલન કર્યું હતું. એ આંદોલનને ત્યારે શિવસેનાએ ટેકો આપ્યો હતો, જ્યારે ભાજપ વિરુદ્ધમાં હતો.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે આરે મેટ્રો કાર શેડના કામકાજ સામેના આંદોલન દરમિયાન ઘણા પર્યાવરણવાદીઓ સામે કેસ નોંધવામાં આવ્યા હતા, પણ એ તમામ કેસ પાછાં ખેંચી લેવાનો મેં આદેશ આપ્યો છે. હવે એ લોકો સામે વધુ કોઈ કેસ કરવામાં નહીં આવે.

ઠાકરેએ એમ પણ કહ્યું કે આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટનું કામકાજ વધુ આદેશ ન મળે ત્યાં સુધી અટકાવી દેવાનો પણ મેં આદેશ આપ્યો છે. મુંબઈમાં મેટ્રો યોજનાઓનું કામકાજ બંધ નહીં થાય, પણ માત્ર આરે કોલોની લાઈન માટેનું કામકાજ સ્થગિત કરવામાં આવ્યું છે.