સિંધિયા કુટુંબ કેમ ભાજપ અને કોંગ્રેસમાં વહેંચાતું રહ્યું?

હારાષ્ટ્રની ઘટનાઓ વચ્ચે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની ચર્ચાઓ થોડી ઓછી થઈ હતી. પરંતુ અજિત પવારે રાતોરાત જોણું કર્યું અને પોતાની પાસે માથાં હોવાનું કહ્યું ત્યારે હલચલ મચી ગઈ હતી. પરોઢિયે કહ્યાગરા કોવિંદને ઉઠાડવામાં આવ્યા અને રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું. તે પછી ખુશ થઈ ગયેલી ભક્તમંડળી હવે મધ્ય પ્રદેશનો વારો એવી વાતો ફરી જોરશોરથી કરવા લાગી હતી. મધ્ય પ્રદેશ પછી રાજસ્થાન ક્યાં દૂર છે એવો કેફ પણ દેખાયો.
આ ઉત્સાહના કારણે જ કેટલાકનું ધ્યાન ગયું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વીટર હેન્ડલ પર પરિચયમાં ફેરફાર થયો છે. ટ્વીટર પર તેમનો લાંબો પરિચય આપેલો હતો કે કોંગ્રેસની કેન્દ્ર સરકારમાં તેઓ કયા કયા પદ પર પ્રધાન રહી ચૂક્યા છે. તેની જગ્યાએ હવે માત્ર લખાયેલું હતું સામાજિક કાર્યકર અને ક્રિકેટપ્રેમી. ક્રિકેટપ્રેમી તો સમજ્યા, પણ માત્ર સામાજિક કાર્યકરને ટ્વીટર બ્લ્યૂ ટીક આપતું નથી. કાર્યકરથી આગળ વધીને નેતા બન્યા હોવા જરૂરી છે. ભૂતપૂર્વ પ્રધાનની યાદી આપવાની જરૂર નથી, પણ કોંગ્રેસ લીડર એટલું લખવું અપેક્ષિત હતું. તેથી જ વિવાદ જાગ્યો અને સિંધિયાએ ખુલાસો આપ્યો કે સલાહકારની સલાહ પ્રમાણે ટૂંકો પરિચય રાખ્યો છે.
લાઘવનું મહત્ત્વ છે. લાંબી વાતો લોકોને કંટાળો લાવે, તેના બદલે ચોટડૂક એક વાક્યનું સૂત્ર આપો તો લોકોને યાદ રહી જાય. જુદા જુદા મંત્રાલયમાં પોતે પ્રધાન હતા તેની યાદીની જરૂર નથી, સમજ્યા, પણ કોંગ્રેસ નેતા એટલું લાઘવ તો જોઈએ. કોંગ્રેસના નેતા છે એટલે તેમની ઓળખ છે, શાહી પરિવાર તરીકેની ઓળખ કેટલી કામની એ વિચારવું પડે.
સિંધિયા ખાનદાન એટલે ગ્વાલિયરના ભૂતપૂર્વ શાસક. પરંતુ આ પરિવારના વડા ગણાતા રાજમાતા વિજયારાજે સિંધિયાએ જનસંઘને ટકાવી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. દાયકા સુધી તેઓ જનસંઘ અને ભાજપના આશ્રયદાતા રહ્યા હતા. તેમની બંને પુત્રીઓ વસુંધરા અને યશોધરા રાજે આજેય ભાજપના સિનિયર નેતાઓ છે. આ બંને નાની દીકરીઓ જે રાજકારણમાં આવી, બે મોટી દીકરીઓ રજવાડી પરિવારોમાં પરણીને ઠરીઠામ થઈ હતી. સૌથી મોટી દીકરી પદ્માવતિ ત્રિપુરાના છેલ્લા રાજા કીર્તિદેવ બર્મનને પરણ્યા હતા. બીજી દીકરી ઉષા નેપાળી રાજપરિવારમાં પરણ્યા હતા, જેમની સામુહિક હત્યા થઈ ગઈ હતી. વસુંધરા પણ ધોલપુરના માજી રાજવી પરિવારમાં પરણ્યા હતા.
આ ચાર બહેનો વચ્ચે વચેટ ભાઈ તરીકે હતા માધવરાવ સિંધિયા. આગળ જતા પરિવારમાં મિલકતોના પણ ઝઘડા થયા હતા અને રાજકીય રીતે પણ પરિવાર જુદો પડ્યો. માધવરાવ સિંધિયા કોંગ્રેસમાં રહ્યા અને તેમનો પુત્ર એટલે જ્યોતિરાદિત્ય સિંધિયા.
વિજયારાજે સાથે ગ્વાલિયરના છેલ્લા રાજા જીવાજીરાવ પ્રેમમાં પડ્યા હતા. મૂળ મધ્ય પ્રદેશના સાગરના ઠાકુર પરિવારની દીકરી લેખા દિવ્યેશ્વરી. તેમના માસા જીવાજીરાવના સલાહકાર હતા. તેમણે જ જીવાજીરાવ અને લેખાની મુલાકાત મુંબઈની તાજ હોટેલમાં થાય તેવું ગોઠવ્યું હતું અને જીવાજીરાજ પ્રથમ નજરે જ લેખાના પ્રેમમાં પડ્યા હતા. લેખાના પિતા ઠાકુર હતા, પણ માતા મૂળ નેપાળી રાણા પરિવારના હતા. જીવાજીરાવનું વેવિશાળ ત્રિપુરાના રાજપરિવારમાં થયું હતું. સૌથી મોટી બહેન ત્રિપુરામાં આપેલી હતી, પરંતુ મરાઠાઓ રાજરાણી તરીકે કોઈ મરાઠી રાજકુમારી આવે તેમ ઇચ્છતા હતા. તેથી તે વેવિશાળ ફોક કરાયું, પણ કોઈ મરાઠા સરદારની પુત્રી જીવાજીરાજને ગમે તે પહેલાં લેખા તેમને પસંદ પડી ગયા હતા.
લગ્ન પછી તેમનું નામ વિજયારાજે થયું અને તે જાજરમાન મહિલા તરીકે બધા રજવાડાંમાં શોભતા હતા. શરૂઆતમાં મરાઠા સરદારો તેમને સ્વીકારતા નહોતા, પણ ધીમે ધીમે તેમણે પોતાનું સ્થાન જમાવ્યું હતું. આઝાદી આવી પછી જીવાજીરાવ માટે ખાસ કંઈ કરવાનું નહોતું, ત્યારે તેમણે સમગ્ર કારોબાર વિજયારાજેને જ સોંપી દીધો હતો. 1957માં નહેરુએ જીવાજીરાવને કોંગ્રેસમાં જોડાવા કહ્યું હતું, પણ તેમને કોંગ્રેસની નીતિઓ પસંદ નહોતી. આગળ જતા રજવાડાના લોકો ભેગા થઈને સ્વતંત્ર પાર્ટી કરવાના હતા અને ઇન્દિરાનો સામનો કરવાના હતા.
દરમિયાન હિન્દુ મહાસભા માટે ગ્વાલિયર રાજધરાનામાં કૂણી લાગણી હતી. વિજયારાજે પોતે નહેરુને મળવા ગયા હતા અને તેમને ખરીખોટી સંભળાવી હોવાનું કહેવાય છે. જીવાજીરાવને રાજકારણમાં રસ નથી એવું કહ્યું, પણ નહેરુને લાગ્યું હશે કે રાજમાતાને જ રસ છે. તેથી કોંગ્રેસે વિજયારાજેને કોંગ્રેસના ઉમેદવાર બનાવી દીધા હતા. 1957માં ગુના બેઠક પર વિજયારાજે લડ્યા અને પતિને જે હિન્દુ મહાસભા માટે લાગણી હતી તેના ઉમેદવારને 60,000 મતોથી હરાવી દીધા હતા. ગુના એ રીતે સિંધિયા પરિવારની બેઠક બની ગઈ હતી. છેલ્લે 2019માં જ્યોતિરાદિત્ય ગુનાની બેઠક પરથી જ હારી ગયા. નહેરુ તો જતા રહ્યા અને આગળ જતા ઇન્દિરા ગાંધી કોંગ્રેસના નેતા બન્યા. હવે ઇન્દિરા ગાંધીનો દબદબો હતો. તેમના ખાસમખાસ કહેવાતા ડીપી મિશ્ર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા. ગ્વાલિયરમાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું ત્યારે તેમને વિજયારાજેના આશિર્વાદ મળ્યા હતા. ડીપી મિશ્રને આ ગમ્યું નહોતું અને તેમણે પોલીસને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. પોલીસે વિદ્યાર્થીઓને પકડવા સરગુજા મહેલમાં પ્રવેશ કર્યો હતો.
રજવાડાઓનો કેફ હજી ઉતર્યો નહોતો એથી તેમને લાગ્યું કે પોલીસ મહેલમાં આવે તે અપમાન કહેવાય.
તેથી તેમણે કોંગ્રેસ છોડી અને ઇન્દિરા સામે પડવાનું સાહસ કર્યું. 1967માં ગુના બેઠક પર તેઓ અપક્ષ તરીકે લડ્યા અને કરેરાની વિધાનસભાની બેઠક પરથી જનસંઘના ઉમેદવાર તરીકે લડ્યા. બંનેમાં જીતી ગયા અને જનસંઘ તરફથી તેઓ મધ્ય પ્રદેશમાં વિપક્ષના નેતા બન્યા હતા. દરમિયાન માધવસાર સિંધિયા મોટા થઈ ગયા હતા અને તેમને જનસંઘમાં ફાવતું નહોતું. જીવાજીરાવ 48 વર્ષે જ અવસાન પામ્યા પછી સમગ્ર પરિવારના વડા તરીકે વિજયારાજેનો દબદબો હતો. માધવરાવ સાથે મિલકતથી માંડીને ઘણા મુદ્દે વિખવાદ હતા. એવું કહેવાય છે કે નારાજ થયેલા રાજમાતાએ જયવિલાસ પેલેસમાં રહેતા માધવરાવે ભાડું ચૂકવવા જણાવી દીધું હતું. ભાડું એક જ રૂપિયો હતું, પણ મહેલ પર મારો અધિકાર છે એવું વિજયારાજેનું કહેવું હતું. કોંગ્રેસે તક જોઈને માધવરાવને કોંગ્રેસના ઉમેદવાર બનાવ્યા અને તે રીતે માતા અને પુત્ર અલગ થયા. ત્યારથી આ ભાગલા ચાલતા આવ્યા છે. વિમાની અકસ્માતમાં માધવરાવનું પણ નાની ઉંમરે અવસાન થયું, તે પછી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ નાની ઉંમરે તેમના રાજકીય વારસ બન્યા છે.
પરંતુ વિજયારાજે વખતે થયું હતું તેવું કશુંક અત્યારે પણ થઈ રહ્યું છે. ડીપી મિશ્ર પોતાને મોટા નેતા માનતા હતા અને રાજવી પરિવારને ભાવ આપતા નહોતા. માધવરાવના ગયા પછી દિગ્વિજયસિંહ અને કલમ નાથ જ કોંગ્રેસના મોટા નેતાઓ છે. મધ્ય પ્રદેશમાં હાલમાં આ બંને નેતાઓએ સમાધાન કરી લીધું હોય તેવું લાગે છે. દિગ્વિજયસિંહને ભોપાલમાં બધા લોકો અત્યારે સુપર સીએમ તરીકે ઓળખાવે છે. કમલ નાથ 9 વાર સાંસદ બન્યા પછી માંડ મુખ્ય પ્રધાન બનવા મળ્યું છે, તેને ટકાવી રાખવા માગે છે. તેથી તેમણે પણ બધા જૂથોને સાચવવાની કોશિશ કરી છે. પરંતુ તેમાં જ્યોતિરાદિત્ય જૂથ નારાજ થયું છે. તેમને સીએમ બનવા ના મળ્યું અને રાજ્યના રાજકારણથી પણ તેમને દૂર રાખવાની કોશિશ થઈ છે.
લોકસભાની ચૂંટણીમાં મોકો જોઈને તેમને ઉત્તર પ્રદેશમાં પ્રભારી તરીકે મોકલી દેવાયા હતા. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કશું ઉકાળી શકી નહિ અને આ તરફ ગુનાની બેઠક પણ તેઓ જાળવી શક્યા નહિ. દિગ્વિજયસિંહ પણ પ્રજ્ઞા ઠાકુર સામે હારી ગયા, પણ તેમણે આ વખતે બહુ સંયમિત રીતે પ્રચાર કર્યો હતો. તેઓ ચૂપચાપ કામ કરતા રહ્યા છે અને કમલ નાથની સરકાર ટકે તે માટે ખાનગીમાં સક્રિય છે. તેથી સિંધિયાના ભાગે ભાગ્યે જ કોઈ ભૂમિકા રહી છે.
કોંગ્રેસના આ આંતરિક ઝઘડાનો લાભ લઈને ભાજપ ગમે ત્યારે સોગઠી મારશે તેમ મનાતું આવ્યું છે. પરંતુ આ સમયગાળામાં ગોવા અને કર્ણાટકમાં સરકાર બનાવવા પર ભાજપનું વધુ ધ્યાન હતું. તે પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં એવા પરિણામો આવ્યા કે ત્યાં પણ ટેકા ગોતા પડે. તેથી મધ્ય પ્રદેશનું ઓપરેશન અધૂરું જ રહી ગયું હતું. હજીય કર્ણાટકની પેટાચૂંટણી અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી પાર પાડવાની છે. તે પછી બેએક મહિનામાં દિલ્હીની વિધાનસભાની ચૂંટણી આવશે. તે પછી બજેટની ચિંતા કરવાની છે, કેમ કે સૌથી મોટો પડકાર તો અર્થતંત્રનો જ છે.

તેથી મધ્ય પ્રદેશની કમલ નાથની સરકારને વર્તમાન નાણાકીય વર્ષમાં ખતરો નથી, પણ સિંધિયા કુટુંબે ભૂતકાળમાં કોંગ્રેસથી નારાજ થઈને ભાજપને મોટો કરવાનું કામ કર્યું જ છે. દાદી અને ફઇબાને ભાજપમાં મહત્ત્વ મળતું રહ્યું છે, જ્યારે કોંગ્રેસમાં સિંધિયા પરિવારનો એવો ઠાઠ રહ્યો નથી. માધવરાવ મહત્ત્વના નેતા મનાતા હતા, પરંતુ તેઓ જીવિત હોત તો દિગ્વિજયસિંહ અને કમલ નાથ સામે તેમનું ત્રીજું મહત્ત્વનું જૂથ હોત. તે જૂથબંધીમાં કદાચ સત્તા જ ના મળી હોત. તેથી હાલ દિગ્વિજય અને કમલ ભેગા થયા છે, ત્યારે જ્યોતિરાદિત્ય કોઈ નવું કમળ ખીલાવી શકે છે કે કેમ તે માટે અનુકૂળ મોસમ આવે તેની રાહ જોવી પડશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]