મુંબઈઃ મુંબઈ વડી અદાલતે મુંબઈ ઉપનગર જિલ્લા કલેક્ટરને આજે આદેશ આપ્યો છે કે તેઓ કોર્ટને એ જણાવે કે મુંબઈ એરપોર્ટની આસપાસ બાંધવામાં આવેલા અને ઊંચાઈને લગતા નિયમોનો ભંગ કરતા બહુમાળી મકાનો તથા અન્ય ઈમારતોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવા વિશે તેમના શું સૂચન છે.
ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને ન્યાયમૂર્તિ એમ.એસ. કર્ણિકની બનેલી વિભાગીય બેન્ચે કલેક્ટરને ઠપકો પણ આપ્યો હતો કે નિયમોનું ઉલ્લંઘન કરનાર ઈમારતોને ધ્વસ્ત કરવાની તમારી જવાબદારીને તમે મહાનગરપાલિકા (BMC)ના માથે નાખી દો છો, કારણ કે આ જવાબદારી બીએમસીની નહીં, પણ મુંબઈના આયોજન સત્તાધિશોની છે. મુંબઈ એરપોર્ટની નજીકના બહુમાળી મકાનોને કારણે ઊભા થયેલા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરતી એક જનહિતની અરજી યશવંત શેનોય નામના એક એડવોકેટે નોંધાવી છે.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કંપનીએ કોર્ટને જણાવ્યું છે કે 2010ની સાલથી એરપોર્ટની આસપાસ, વિમાનસેવાઓમાં અવરોધ ઊભો કરતી 137 ઈમારતો હતી. એમાંના 63 મકાનોને ડિમોલીશ કરવાના ઓર્ડર પાસ કરવામાં આવ્યા છે. બાકીની 48 ઈમારતો એવી છે જેને તત્કાળ તોડી પાડવાની જરૂર છે.