એથેનોલને નામે રૂ. 1200 કરોડનું ચોખા કૌભાંડનો ખડગેનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકાર પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો છે કે ભાજપના શાસનમાં મધ્ય પ્રદેશ ભ્રષ્ટાચાર અને લૂંટનું કેન્દ્ર બની ગયું છે. ખડગેએ શનિવારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે જવાબદારીની ભાવનાને સત્તાના અહંકાર હેઠળ કચડી નાખી છે.

ખડગેએ દાવો કર્યો હતો કે હવે એથેનોલને નામે 1200 કરોડ રૂપિયાનું ચોખાનું કૌભાંડ સામે આવ્યું છે. જે ચોખાનો ઉપયોગ કુપોષિત બાળકો, ગર્ભવતી મહિલાઓ અને કિશોરીઓના પોષણ માટે થવો જોઈએ હતો, તે જ ચોખાને નફાખોરીના ખેલમાં વાપરવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે પાંચ લાખ મેટ્રિક ટન ચોખાને રાઇસ મિલરો, એથેનોલ માફિયા અને ભાજપ સરકારના સંરક્ષણ હેઠળ ભ્રષ્ટાચારના ખેલનો ભાગ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ભાજપ અને સરકારી તંત્રની મિલીભગતથી જનતાના હકના અનાજ પર લૂંટ ચલાવવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલાં જમીન સંબંધિત મોટું કૌભાંડ પણ સામે આવ્યું હતું. ઉજ્જૈનમાં તે જ વિસ્તારોમાં જમીનોનો વિસ્તાર કરવામાં આવ્યો, જ્યાં સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને હાઇવે કોરિડોરના પ્રસ્તાવો હતા. આ મામલે મુખ્ય મંત્રી પર પણ સવાલો ઊભા થયા હતા. તેમણે કહ્યું હતું કે દરેક ક્ષેત્રમાં અને દરેક વિભાગમાં લૂંટ અને પોતાની તિજોરી ભરવાનો ખેલ ચાલી રહ્યો છે. ભાજપની સત્તાની આ જ લૂંટની કહાની છે. વ્યાપમ કૌભાંડથી શરૂ થયેલી આ લૂંટ, પેપર લીક અને ભ્રષ્ટાચારના અનેક કેસો છતાં આજે પણ અટકી નથી.

કોંગ્રેસ અધ્યક્ષે આરોપ મૂક્યો કે ભાજપે મધ્ય પ્રદેશને ભ્રષ્ટાચારનું મોડેલ બનાવી દીધું છે અને મોદીજી હંમેશની જેમ આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે.