ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે શુક્રવારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચેની સાહજિક અને અનૌપચારિક મુલાકાતે ઉપસ્થિત સહુ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. બંને નેતાઓની સરળતા અને સાદગીનું વધુ એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આ પ્રસંગે જોવા મળ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતાના ગ્રામીણ પ્રવાસો, ગામડાઓમાં રાત્રિરોકાણ, પ્રાકૃતિક ખેતીના પ્રસાર અને અંત્યોદય પરિવાર સાથે સંવાદ જેવા કાર્યક્રમો માટે જાણીતા છે. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામાન્ય નાગરિકોને અચાનક મળવાની તથા બાળકો સાથે સહેલાઈથી ઘુલમિલ જવાની પોતાની ‘મૃદુ અને મક્કમ’ શૈલી માટે જાણીતા છે.
રાજ્યપાલ તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ સ્વર્ણિમ સંકુલ-૧ના સાબરમતી કક્ષમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને પોતાના કાર્યાલયની મુલાકાત લેવા માટે અત્યંત સહજતાથી આગ્રહભર્યું આમંત્રણ આપ્યું હતું, જેનો રાજ્યપાલે તુરંત જ સ્વીકાર કર્યો હતો.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વર્ણિમ સંકુલ-૧ના ત્રીજા માળે આવેલા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને રાજ્યપાલનું ઉષ્માભર્યું સન્માન-આવકાર કર્યો હતો. આ અનૌપચારિક અને મિત્રતાપૂર્ણ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે રાજ્યના લોકકલ્યાણ અને વિકાસલક્ષી વિવિધ વિષયો અંગે સાહજિક ચર્ચા-વિચારણા થઈ હતી.




