અમદાવાદ: આરોગ્ય ક્ષેત્રે ભારતીય રેલવેએ એક નવો ઐતિહાસિક અધ્યાય લખ્યો છે. રેલવે દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરીને જીવંત હૃદય (લાઇવ હાર્ટ)નું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ સુધી મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૦૯૦૧) મારફતે આ હૃદયને અત્યંત સુરક્ષિત અને સમયસર અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. આ હૃદયનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) અમદાવાદની પ્રખ્યાત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે કરવામાં આવશે.
આ અત્યંત સંવેદનશીલ અને સમયબદ્ધ જીવનરક્ષક મિશન ભારતીય રેલવે, રેલવે સુરક્ષા દળ (RPF), ગુજરાત રાજ્ય પોલીસ અને તબીબી ટીમોના ઉત્કૃષ્ટ સંકલનનું ઉત્તમ દ્રષ્ટાંત બન્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧થી યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી હૃદયને કોઈ પણ અવરોધ વગર ઝડપથી પહોંચાડવા માટે RPF અને ગુજરાત પોલીસે ખાસ ‘ગ્રીન કોરિડોર’ તૈયાર કર્યો હતો.
આ ઐતિહાસિક સફળતા અંગે અમદાવાદ વિભાગના મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “આ ભારતીય રેલવે માટે ગૌરવ અને અત્યંત સંતોષની ક્ષણ છે. જીવનરક્ષક અભિયાનમાં દરેક સેકન્ડ કિંમતી હોય છે. તમામ એજન્સીઓના બહેતરીન સંકલનને કારણે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા હૃદય સમયસર પહોંચાડી શકાયું છે. માનવજીવન બચાવવાની આ સેવામાં સહભાગી થવું એ રેલવે માટે માત્ર જવાબદારી નહીં પરંતુ માનવતા પ્રત્યેની સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે.”
વંદે ભારત એક્સપ્રેસની અસાધારણ ઝડપ અને સમયપાલનને કારણે આ પડકારજનક કામગીરી સફળ બની શકી છે. આ સિદ્ધિ સાબિત કરે છે કે ભારતીય રેલવે માત્ર મુસાફરી કે માલસામાનના પરિવહન સુધી સીમિત નથી, પરંતુ ઈમરજન્સી આરોગ્ય સેવાઓમાં પણ જીવનદાતા સાબિત થઈ રહી છે.




