કેજરીવાલે જનરલ ડાયરથી PM મોદીની તુલના કરી

નવી દિલ્હીઃ આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે CJPના વિરોધ પ્રદર્શન મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારીઓ સામે સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગ્રેજોના અત્યાચાર કરતાં પણ વધુ ક્રૂર હતી. તેમણે કહ્યું હતું કે આ દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પિતાની જાગીર નથી.

તેમણે કહ્યું હતું કે મોદીજી, આ દેશ તમારા પિતાની મિલકત નથી. ધમકીઓ આપવાનું બંધ કરો, નહીં તો દેશની જનતા તમને એવો પાઠ ભણાવશે કે ઇતિહાસ યાદ રાખશે કે એક તાનાશાહનો અંત કેવી રીતે થયો હતો. તેમણે આગળ કહ્યું હતું કે મોદીજીએ બાળકો પર જે રીતે બેરહેમીથી હુમલો કરાવ્યો છે, તે અત્યંત શરમજનક છે. અંગ્રેજોએ પણ સ્વતંત્રતા સેનાનીઓ પર એવો હુમલો કર્યો નહોતો, જેવો મોદીજીએ પોતાના દેશનાં બાળકો પર કર્યો છે. જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે જે કર્યું હતું, મોદીજી તો તેનાથી પણ આગળ વધી ગયા છે.વડા પ્રધાન પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે આ દેશમાં સૌથી મોટા રાષ્ટ્રવિરોધી તમે જ છો મોદીજી. આ બાળકો તમને પેપર લીક રોકવાની વિનંતી કરી રહ્યા છે. શું તમે એક પણ પેપર લીક રોકી શકતા નથી? અથવા તો તમે સંપૂર્ણપણે અસમર્થ છો, અથવા પેપર લીકમાંથી મળતો પૈસો તમારી સુધી પહોંચે છે.

AAP દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

તેમણે જણાવ્યું હતું કે આપ દ્વારા ઘાયલ પ્રદર્શનકારીઓને તબીબી સહાય અને હિરાસતમાં લેવામાં આવેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને કાનૂની સહાય પૂરી પાડવા માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે યુવા પ્રદર્શનકારીઓ પર પોલીસે જે બર્બરતા દાખવી તે અમે જોઈ છે. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કોઈ પણ ઉશ્કેરણી વગર પોલીસ છોકરીઓ અને વિદ્યાર્થીઓને સતત માર મારતી રહી અને તેમના પર લાઠીચાર્જ કરતી રહી.

તમારે ડરવાની જરૂર નથી – કેજરીવાલ

તેમણે કહ્યું હતું કે હું પ્રદર્શનકારીઓનાં માતા-પિતા અને પરિવારજનોને કહેવા માગું છું કે તમને ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. હેલ્પલાઇન નંબર પર સંદેશ મોકલો. અમે તમારો સંપર્ક કરીશું અને કાનૂની તેમ જ તબીબી સહાય પૂરી પાડીશું. તેમણે ઉમેર્યું હતું કે તમે અમારા પોતાના છો. તમને કંઈ થવા નહીં દઈએ.