અમેરિકન હવાઈ દળે 27 જવાનોને કાઢી મૂક્યા

વોશિંગ્ટનઃ કોરોનાવાઈરસ-વિરોધી રસી લેવાનો ઈનકાર કરનાર પોતાના 27 જવાનોને અમેરિકી હવાઈ દળે સેવા-નોકરીમાંથી છૂટાં કરી દીધાં છે. કોવિડ-19 રસી લેવાના ફરજિયાત આદેશનો અનાદર કરવા બદલ નોકરી-સેવામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હોય એવો આ પહેલો જ બનાવ છે.

યૂએસ એરફોર્સનાં મહિલા પ્રવક્તા એન સ્ટેફાનેકે જણાવ્યું છે કે હવાઈ દળે તેના તમામ જવાનો-કર્મચારીઓને બીજી નવેમ્બર સુધીમાં કોરોના-વિરોધી રસી લઈ લેવાનો આદેશ આપ્યો હતો. હજારો લોકોએ કાં તો રસી લેવાની ના પાડી છે અથવા ધાર્મિક કારણસર રસી લેવામાંથી મુક્તિ આપવાની વિનંતી કરી છે. હવાઈ દળે રસી લેવાનો ઈનકાર કરીને તંત્રના આદેશનો અનાદર કરવા બદલ 27 જવાનોને સેવામાંથી કાઢી મૂક્યા છે. આ તમામ જવાન ઘણા યુવાન વયનાં છે અને નીચલી-રેન્કનાં છે. આ તમામે રસી લેવામાંથી મુક્તિ આપવા માટે તબીબી કે ધાર્મિક કે કોઈ વહીવટીય કારણ આપ્યું નહોતું. તેથી આદેશના અનાદરને કારણે એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.