કેલિફોર્નિયામાં કોરોના સામે બુધવારથી માસ્ક પહેરવો ફરજિયાત

સૈકામેંટોઃ અમેરિકાના કેલિફોર્નિયામાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના વધતા કેસોને ધ્યાનમાં રાખતાં વહીવટી તંત્રએ માસ્ક પહેરવાનો નિયમ ફરજિયાતપણ લાગુ કર્યો છે. અહીં થેન્ક્સગિવિંગ પછી કોરોના વાઇરસના કેસોમાં આશરે 50 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જેથી કેલિફોર્નિયાએ સોમવારે રાજ્યવ્યાપી ઇનડોર માસ્ક પહેરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ નવો આદેશ 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. રાજ્યમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવો ફરજિયાત છે. લોસ એન્જલસ અને વેન્ચુરા સહિત કેટલીક કાઉન્ટીઓએ પણ સમરમાં માસ્ક પહેરવાનો આદેશ લાગુ કર્યો હતો.

કેલિફોર્નિયાએ 2020માં માસ્ક ફરજિયાત કર્યો હતો, પણ એ પછી જૂનમાં એ આદેશ હટાવી લીધો હતો. કેલિફોર્નિયામાં કોરોના વાઇરસનું સંક્રમણ ઊંચા સ્તરે પ્રસરવાની શક્યતા છે અને રાજ્યના અધિકારીઓનું માનવું છે કે શિયાળાની સાથે સંક્રમણ વધવાની સંભાવના છે, એમ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનનું માનવું હતું.

અમેરિકામાં હજી પણ ડેલ્ટા વેરિયેન્ટથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતા છે અને જાહેર આરોગ્યના નિષ્ણાતો ઓમિક્રોન વેરિયન્ટથી કેટલો પ્રસરી શકે એના પર સંશોધન કરી રહ્યા છે.

કોરોના વાઇરસના સંક્રમણ સામે માસ્ક સૌથી વધુ રક્ષણ આપવા સાથે પ્રસારને અટકાવે છે. અહીં સુધી કે ઇનડોર માસ્કિંગથી કોરોનાના ટ્રાન્સમિશનને 10 ટકા ઘટાડો થયો હતો. આ અનિશ્ચિતતા ભર્યા માહોલમાં માસ્ક પહેરવાથી કોરોના સામે રક્ષણ મળે છે, એમ  કેલિફોર્નિયાના હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ સેક્રેટરી ડો. માર્ક ઘેલીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણે જાણીએ છીએ લોકો ઘણા લાંબા સમયથી પરિસ્થિતિઓ સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે. હાલના સમયમાં અમારે આકરા નિર્ણય લેવા પડે છે.