ટ્રંપની H-1B વિઝા ફી વધારાનો વિરોધઃ 19 રાજ્યો દ્વારા કેસ દાખલ કરાશે

નવી દિલ્હીઃ કેલિફોર્નિયા અને મેસેચ્યુસેટ્સના નેતૃત્વમાં અમેરિકાનાં 19 રાજ્યો ટ્રંપ પ્રશાસન દ્વારા તાજેતરમાં નવી H-1B વિઝા અરજી પર ફી વધારીને $ એક લાખ કરવાની જાહેરાતને અટકાવવા માટે કેસ દાખલ કરવાની તૈયારીમાં છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર આ કેસ આજે મેસેચ્યુસેટ્સની ફેડરલ કોર્ટમાં દાખલ થવાની શક્યતા છે.

અમેરિકન નોકરીદાતાઓને H-1B વિઝા કાર્યક્રમમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓને નોકરી આપવા માટે મંજૂરી આપે છે,  ખાસ કરીને ટેક્નોલોજી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં. તાજેતરમાં જાહેર કરાયેલ $ એક લાખની ફીને માત્ર અતિશય જ નહીં, પરંતુ ગેરકાનૂની પણ ગણાવવામાં આવી રહી છે.

રાજ્યોના તર્ક:

કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ કહ્યું હતું કે પ્રશાસન પાસે આટલી મોટી વધારાની ફી લાદવાનો અધિકાર નથી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે ક્યારેય રાષ્ટ્રપતિને આ પ્રકારની છ આંકડાની ફી લાદવાનો અધિકાર આપ્યો નથી, જે આ કાર્યક્રમને ખતમ કરવા જેવું છે. તેમણે ઉમેર્યું હતું કે આ ફી મહત્વપૂર્ણ જાહેર સેવાઓ આપતા નોકરીદાતાઓ પર ભારે નાણાકીય દબાણ ઊભું કરશે.

મેસેચ્યુસેટ્સની એટર્ની જનરલ એન્ડ્રિયા જોય કેમ્પબેલે કહ્યું હતું કે આ ફી મનમાની છે અને કોંગ્રેસ દ્વારા નક્કી કરેલી મર્યાદાઓથી વધુ છે. ન્યુ યોર્કની એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે ચેતવણી આપી કે આ વધારાથી આરોગ્ય સેવાઓ સુધી પહોંચ મુશ્કેલ બનશે, બાળકોના શિક્ષણ પર અસર પડશે અને અમારા અર્થતંત્રને નુકસાન થશે.

કેલિફોર્નિયા, મેસેચ્યુસેટ્સ અને ન્યુ યોર્ક ઉપરાંત આ કેસમાં સામેલ અન્ય રાજ્યોમાં એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલાવેર, હવાઈ, ઇલિનોઇસ, મેરીલેન્ડ, મિશિગન, મિનેસોટા, નોર્થ કેરોલાઇના, ન્યૂ જર્સી, ઓરેગન, રોડ આઇલેન્ડ, વર્મોન્ટ, વોશિંગ્ટન અને વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે.

ફી વધારાની કંપનીઓ પર અસર

હાલમાં H-1B વિઝાની ફી $ 2,000થી $ 5000 વચ્ચે છે. આ ફીને $ 1 લાખ સુધી વધારવાથી ટેક્નોલોજી કંપનીઓમાં ચિંતા ફેલાઈ છે. આ કાર્યક્રમ પર આધારિત કંપનીઓમાં એમેઝોન, માઇક્રોસોફ્ટ, એપલ, મેટા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસેસ જેવી મોટી કંપનીઓ સામેલ છે.